ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. આવા સમયે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બને છે, ત્યારે ફિલ્ડમાં કામ કરતા લોકો માટે આ સિઝન ખૂબ જ પડકારજનક હોય છે. લાંબો સમય તડકામાં રહેવાથી હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ઉલટી, દસ્ત અને નબળાઈનો ખતરો વધી જાય છે. જો તમારું કામ પણ બહાર તડકામાં રહેવાનું છે, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કપડાંની પસંદગી
ફિલ્ડ વર્ક દરમિયાન હંમેશા ઢીલા અને આખા શરીરને ઢાંકી શકે તેવા કપડાં પહેરો. સુતરાઉ (કોટન), લિનન કે ખાદી જેવા ફેબ્રિક શ્રેષ્ઠ રહે છે. આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી લાગે છે અને ત્વચા પણ સુરક્ષિત રહે છે.
આંખો અને માથાનું રક્ષણ
સીધો તડકો માથા પર ન લાગે તે માટે કેપ, હેટ અથવા સ્કાફનો ઉપયોગ કરો. આંખોમાં ડ્રાયનેસ અને લાલાશ ન આવે તે માટે સારી ગુણવત્તાના સનગ્લાસ પહેરો અને શક્ય હોય તો સાથે છત્રી પણ રાખો.
હાઇડ્રેશન અને ખોરાક
માત્ર સાદું પાણી પીવાને બદલે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જળવાઈ રહે તે માટે નાળિયેર પાણી, છાશ, લીંબુ શરબત કે ચિયા સીડ્સનું સેવન કરો. ખોરાકમાં હળવી અને પાણીથી ભરપૂર વસ્તુઓ જેવી કે કાકડી, દૂધી, તૂરિયા અને ડુંગળીનો સમાવેશ કરો. વધુ પડતા મસાલેદાર કે તળેલા ખોરાક અને બહારના ખાવાથી બચવું જોઈએ. તડકામાંથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી પીવાને બદલે થોડી વાર આરામ કરી પછી જ પાણી પીવો.
નાના બ્રેક લેવા જરૂરી
કલાકો સુધી સતત તડકામાં કામ કરવાને બદલે વચ્ચે-વચ્ચે છાયડામાં આરામ કરવો જોઈએ. જો કામ દરમિયાન ચક્કર આવે, અતિશય પરસેવો થાય કે માથાનો દુખાવો જણાય તો તેને અવગણશો નહીં અને તરત જ ઠંડી જગ્યાએ બેસીને આરામ કરો.
આ પણ વાંચો: Face Wash Tips: સાવધાન! શું તમે પણ દિવસમાં વારંવાર ચહેરો ધુઓ છો? તો જાણી લો આટલી બાબત