ભારતીય ઘરોમાં સુસ્તી ભગાડવા સવાર-સાંજ ચા પીવાનો ટ્રેન્ડ છે. આપણામાંથી મોટાભાગના લોકોના વધેલી ચાની પત્તીઓને સીધી કચરાપેટીમાં ફેંકી દેતા હોય છે. કારણ કે આપણે એવું માની છીએ કે ચાની પત્તીનો ઉપયોગ હવે પૂરો થઈ ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે જેને તમે નકામો કચરો સમજો છો, તે વસ્તુ તમારા ઘર અને બગીચાના કેટલાય કામોને ચપટીમાં સરળ બનાવી શકે છે? જાણો વધેલી ચાની પત્તીઓનો બેસ્ટ ઉપયોગ.
વધેલી ચાની પત્તીઓને કચરો સમજી ફેંકી ના દો
વાસ્તવમાં, વધેલી ચાની પત્તીઓ એક ઉત્તમ ઓર્ગેનિક રિસોર્સ છે. જો તેને યોગ્ય રીતે સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો તે છોડના વિકાસથી લઈને ઘરની સફાઈ સુધી ઘણી રીતે જાદુઈ સાબિત થઈ શકે છે. સ્માર્ટ ગૃહિણી દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ કરતી હોય છે. વેસ્ટમાંથી બેસ્ટ કરવાની કળા મહિલાઓ પાસે છે. ફાટી ગયેલા જીન્સમાંથી થેલી બનાવાય છે, તૂટેલા મગમાંથી પેન સ્ટેન્ડ બનાવાય છે તેમ વધેલી ચાનો ખાતર તરીકે ઉપયોગ કરાય છે. જેના કારણે તમે બજારમાંથી લાવતા ખાતરના પૈસાની બચત કરી શકો.
જાણો વધેલી ચાની પત્તીનો બેસ્ટ ઉપયોગ
છોડ માટે બેસ્ટ ઓર્ગેનિક ખાતર : જો તમને ઘરના આંગણે કે ગેલેરીમાં બાગકામ (Gardening) નો શોખ હોય, તો બચેલી ચાની પત્તીઓ તમારા છોડ માટે અમૃત સમાન છે. ચા બનાવ્યા પછી પત્તીઓને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી તેમાંથી દૂધ અને ખાંડનો ભાગ સંપૂર્ણ નીકળી જાય. ત્યારબાદ તેને તડકામાં સૂકવીને કુંડાની માટીમાં ઉમેરો. આ એક ઉત્તમ કમ્પોસ્ટનું કામ કરે છે.
ઉનાળામાં માટીનો ભેજ જાળવી રાખશે : ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના કારણે કુંડાની માટી ખૂબ ઝડપથી સુકાઈ જાય છે. જો તમે સૂકવેલી ચાની પત્તીઓને માટીમાં મિક્સ કરશો, તો તે માટીમાં લાંબા સમય સુધી ભેજ (Moisture) જાળવી રાખવામાં મદદ કરશે. આ નેચરલ થેરાપીથી છોડ સુકાઈ જતાં બચી જાય છે.
લાકડાના ફર્નિચરની સફાઈ અને ચમક : લાકડાની વસ્તુઓ કે ફર્નિચરને ચમકાવવા માટે પણ ચાની પત્તીનો ઉપયોગ થઈ શકે છે. વપરાયેલી ચાની પત્તીઓને ફરીથી થોડા પાણીમાં ઉકાળો. આ પાણી ઠંડું થઈ જાય એટલે તેને ગાળી લો અને એક નરમ કપડું તેમાં ડૂબાડીને લાકડાની સપાટી સાફ કરો. આનાથી ફર્નિચર પર જામलेली ધૂળ અને હળવા ડાઘ સરળતાથી ગાયબ થઈ જશે અને કુદરતી ચમક આવશે.
રસોડાના વાસણોની દુર્ગંધ કરશે દૂર : ઘણીવાર પ્લાસ્ટિકના ડબ્બા, કન્ટેનર કે રસોડાના વાસણોમાં મસાલા અથવા કોઈ તીવ્ર વાનગીની ગંધ રહી જાય છે, જે સામાન્ય સાબુથી ધોવા છતાં જતી નથી. આવા વાસણોમાં ધોઈને સૂકવેલી ચાની પત્તીઓ થોડા સમય માટે રાખી મૂકવાથી તે બધી જ દુર્ગંધને પોતાની અંદર શોષી લે છે.
હોમમેડ ખાતરમાં ઉપયોગી : જો તમે ઘરમાં જ શાકભાજી કે ફળોના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવતા હોવ, તો તેમાં આ ચાની પત્તીઓ પણ ઉમેરી શકાય છે. તે ખાતર બનવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવે છે. બસ, ધ્યાન એ રાખવું કે તેમાં દૂધ કે ખાંડ બિલકુલ ન હોવા જોઈએ.
આ પણ વાંચો : AC Cooling Tips: કલાકો સુધી AC ચલાવવા છતાં રૂમ ઠંડો નથી થતો? આ સામાન્ય ભૂલો છે કારણ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )