ગુજરાતીઓ ખાવાના જબરા શોખીન હોય છે. વરસાદમાં બટાકાવડા જેવા ફરસાણ તો આરોગે છે. અને વરસાદી સિઝનમાં આવતા શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ફરાળી ફરસાણની મોજ લે છે. બજારમાં ઉપવાસમાં ખવાતી જુદી-જુદી ફરાળી વાનગી મળે છે. સાબુદાણાથી ખીચડીને લઈને ફરાળી પિઝ્ઝા મળવા લાગ્યા છે. ખાવાના શોખીનોએ ઉપવાસમાં બજારની વાનગી ના ખાવી હોય તો આ વાનગી જરૂર તમારા સ્વાદનો ચટાકો પૂરો કરશે.


ફરાળી હાંડવા માટેની સામગ્રી:

  • તમે આ વાનગીમાં ચમચી આદુ-મરચાની પેસ્ટ, જરૂર મુજબ તેલ, પાણી, સફેદ તલ, ખાંડ, શીંગદાણા નો ભૂકો અને કોથમીરનો ઉપયોગ કરી શકશો.
  • 1 વાડકી મોરૈયો
  • 1/4 વાડકી સાબુદાણા
  • 1 બટાકું બાફેલું
  • 2 ચમચી દહીં
  • 1/2 લીંબુ નો રસ
  • ચપટી સોડા

ફરાળી હાંડવો બનાવવાની રીત :

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયાને મિકસરમાં ક્રશ કરી લો. પછી એક વાસણમાં મિશ્રણ કાઢી તેમાં દહીં નાખ્યા બાદ જરૂર મુજબ પાણી ઉમેરો. તમારે આ મિશ્રણને વધુ પાતળું નથી કરવાનું તે યાદ રાખો. આમાં તમે સાધારણ હૂંફાળું પાણી પણ લઈ શકો છો.
  • આ મિશ્રણને ત્યારબાદ 1 કલાક સુધી એરટાઈટ વાસણમાં ઢાંકી રાખો. દરમિયાન બીજી બાજુ તમે એક બટાકું બાફી લો. એક કલાક બાદ સાબુદાણા અને મોરૈયાના મિશ્રણમાં બાફેલા બટાકાને છીણીને તેમાં નાખો. ત્યારપછી આ મિશ્રણમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, શીંગદાણા નો ભૂકો, તેલ, કોથમીર નાંખી બરાબર મિક્સ કરો.
  • હવે વઘાર માટે એક પેનમાં તેલ મૂકો. પછી તેમાં તલ અને લીમડાના પાન નાખો. જયારે તે તતડે એટલે આ મિશ્રણમાં સોડા નાંખી બરાબર મિક્સ કરીને રેડી દો. પછી તેને વાસણથી ઢાંકી દો. પેનમાં હાંડવો એક બાજુ થોડો ચડી જાય એટલે બીજી બાજુ ફેરવો. તમે બીજી બાજુ હાંડવા ફેરવો ત્યારે ફરી તેલ મૂકી અંદર તલ નાખ વઘાર કરી શકો છો.
  • આમ, કરવાથી બંને બાજુ હાંડવો સારો દેખાશે. બીજી બાજુ ફેરવ્યા બાદ 10 મિનિટ હાંડવાને ચઢવા દો. આમ બંને બાજુએ હાંડવો ગોલ્ડન બ્રાઉન થાય તેમ શેકી લો. લો, તૈયાર થઈ ગયો આપણો ફરાળી હાંડવો. આ ફરાળી હાંડવાને તમે કોથમીરની ચટણી અને દહી સાથે ખઈ શકો છો. 
  • ફરાળમાં લીલી ચટણી બનાવવા માટે કોથમીર, લીલા મરચા, મીઠું, લીંબુનો રસ અને ફુદીનાને પીસી લો. આ ચટણીમાં તમે પાણીની જગ્યાએ બરફનો પણ ઉપયોગ કરી શકો છો. 

  • Follow us on: