શ્રાવણ ઉપવાસ કરવાનું હવે સરળ બન્યું છે. શ્રાવણમાં મહિનામાં ભગવાન શિવને પ્રસન્ન કરવા પૂજા-અર્ચના સાથે લોકો ઉપવાસ પણ કરતા હોય છે. આજે ફરાળી વાનગીમાં વિવિધતા જોવા મળે છે. આલુ પરાઠા બાળકોના ફેવરીટ છે. જો તમે બાળકોને ઉપવાસ કરાવવા માંગતા હોવ આ દિવસોમાં તો તેમને ફરાળી આલુ પરાઠા આપી શકો છો. બાળકોના જીભ પર રહી જશે પરોઠાનો સ્વાદ.
ફરાળી આલુ પરોઠા બનાવવાની સામગ્રી:
લોટ બાંધવા દોઢ કપ રાજગરાના લોટ, ½ કપ મોરૈયાનો લોટ, 2-3 ચમચી સાબુદાણાનો લોટ લઈ સિંધવ મીઠું નાખી 1 ચમચી મોણ નાખી કણક જેવો લોટ બાંધો. જયારે સ્ટફિંગ માટે 2-3 બાફેલા બટાકા, ઝીંણા સમારેલા 2-3 લીલા મરચાં, છીણેલું આંદુ, આમચૂર પાઉડર, જીરું પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ સિંધુ મીઠું
ફરાળી આલુ પરોઠા બનાવવાની રીત :
- આ વાનગી બનાવવા તમે સૌ પ્રથમ દોઢ કપ રાજગરાના લોટ, ½ કપ મોરૈયાનો લોટ, 2-3 ચમચી સાબુદાણાનો લોટ લઈ સિંધવ મીઠું નાખી 1 ચમચી મોણ નાખી થોડું થોડું પાણી ઉમેરી કણક જેવો લોટ બાંધી લો.
- પછી બીજા એક વાસણમાં બાફેલા બટાકાનું મિશ્રણ લો. ત્યારબાદ આ બાફેલા બટાકાના સ્ટફિંગમાં તમે ઝીંણા સમારેલા 2-3 લીલા મરચાં, છીણેલું આંદુ, આમચૂર પાઉડર, જીરું પાઉડર અને લીંબુનો રસ નાખ્યા બાદ સ્વાદ મુજબ સિંધુ મીઠું નાખી બરાર મિકસ કરી લો. આ મિશ્રણની અંદરનો મસાલો મિક્સ થઈ જાય પછી તેમાં ઉપરથી લીલી કોથમીર નાખો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ થઈ જાય પછી તૈયાર કરેલા મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરી બટાકાવડાની જેમ ગોળ લુવા તૈયાર કરો. આ લુવાને એક પ્લેટમાં મૂકી બાજુ પર રાખો.
- હવે બીજા વાસણમાં તમે રાજગરાનો લોટની જે કણક બાંધી છે . તે કણકમાંથી મધ્યમ કદના ગોળા બનાવો અને દરેક ગોળાને તમારા હાથ કે આંગળીઓથી દબાવો અને તેને નાની પુરીની જેમ પાથરી દો. યાદ રાખો કે તેને ખૂબ પાતળું બનાવશો તો તે ફાટી જશે.
- એટલે મધ્યમ જાડું રહેવા દઈ આ પૂરીમાં બટાકાનો બોલ મૂકો. પછી કિનારીઓ ભેગી કરીને હળવા હાથે પરાઠાની જેમ વણી લો અને પછી નોનસ્ટીક પેન અથવા તવા પર તેલ મૂકી શેકી લો. પરોઠાને બંને બાજુ સાધારણ લાલ શેકયા બાદ બીજા વાસણમાં કાઢી લો.
- આ પરાઠા ઉપવાસમાં ખાતા હોવ તો તમે ઘીનો ટૂવો પણ દઈ શકો છો. તૈયાર થઈ ગયા તમારા ફરાળી આલુ પરોઠા. આ ફરાળી આલુ પરોઠાને તમે દહીં અથવા કોથમીરની ચટણી સાથે ગરમાગરમ ખાઈ શકો છો.