શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનું સરળ બન્યું છે. ભગવાન શિવની પૂજા અને ઉપાસનામાં કોઈ વિઘ્ન આવશે નહી. જો તમે એકટાણું કરતા હોવ તો તમે ફરાળ કરી શકો છો. ફરાળમાં અત્યારે જુદી-જુદી વાનગીઓ બજારમાં ઉપબ્ધ છે. જો કે બજારની વાનગીમાં ભેળસેળની આશંકા રહેલી છે. બજારના ભેળસેળિયા ભોજન તમારા શરીર માટે હાનિકારક બની શકે છે.
ઘરે મળશે બજાર જેવી મજા
એટલે ઉપવાસના દિવસોમાં બજારની નહીં પરંતુ ઘરે બનાવો ફરાળી વાનગી. આજના લેખમાં તમને ઓછી મહેનત અને ઝટપટ બનતી ફરાળી પેટીસની વાનગીની રેસીપી જણાવીશું. આ પેટીસ તમારા સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને ફાયદો કરશે. આવો જાણીએ ફરાળી પેટીસ બનાવવાની સરળ રીત.
ફરાળી પેટીસ બનાવવા માટે સામગ્રી :
આ વાનગીમાં તમે જરૂરિયાત મુજબ મીઠું અથવા સિંધાલુણ લઈ શકો છો. આ ઉપરાંત જો તમે સ્વાદિષ્ટ પેટીસ બનાવવા માગતા હોવ તો ફરાળી ચેવડો, લવિગ, તજના ટુકડા અને 2 મરી લઈ શકો છો.
- 6 નંગ મોટા બટાકા
- 1/5 સિંગોડાનો લોટ
- 1/2 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લીલામરચાની પેસ્ટ
- 2 ચમચી લીબુનોરસ
- 2 ચમચી દળેલી ખાંડ
ફરાળી પેટીસ બનાવવા માટેની રીત :
- આ પેટીસ બનાવવા માટે સૌ પહેલા તમે બટાકાને કૂકરમાં બાફી દો. બટાકા બફાઈ જાય બાદ તેના ઉપરથી છાલ કાઢી લો. પછી એક વાસણમાં બધા બટાકા નાખી તેનો માવો તૈયાર કરો. હવે બટાકાના માવામાં સ્વાદ મુજબ મીઠું અને સિંગોડાનો લોટ નાખી બરાબર મિકસ કરો.
- પેટીસ સ્વાદિષ્ટ બનાવવા ફરાળી ચેવડાને મિકસરમા ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો. ફરાળી ચેવડાનો પાઉડર તમે બાફેલા બટાકાના માવામાં નાખો. ત્યારબાદ એક પેન થોડુ તેલ મૂકી જીરું તતડાવો.
- અને પછી તેમાં આદુમરચાં અને તજ લવિગ તેમજ મરીનો પાઉડર નાખી સાધારણ ગરમ કરો. ત્યારબાદ તેમાં લીબુનોરસ અને ખાંડ નાખી આ મિશ્રણને બટાકાના માવામાં નાખી દો. આમ, કરવાથી પેટીસ વધુ સ્વાદિષ્ટ બનશે.
- હવે તમે બટાકાના માવામાંથી નાના ગોળ ગોળા કરી હળવા હાથે પેટીસની જેમ દબાવો. આ પેટીસની તમે તળી પણ શકો છો અને સાધારણ તેલ મૂકી નોનસ્ટીક પેનમાં બંને બાજુ શેકી શકો છો. જો પેટીસનું મિશ્રણ થોડું ઢીલું લાગતો હોય તો તેને સિંગોડાના લોટમાં રગદોળ્યા બાદ ડીપ ફ્રાય કે શેલો ફ્રાય માટે ઉપયોગમાં લઈ શકો છો.
- લો તૈયાર થઈ ગઈ તમારી ફરાળી પેટીસ. આ ફરાળી પેટીસને તમે દહીં અથવા કોથમીરની ચટણી સાથે ખાઈ શકો છો.