ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ભીના કપડાં મિનિટોમાં સુકાઈ જાય છે. કપડાં જલ્દી સૂકાય તે બધાને ગમે છે  પરંતુ આ કડક તડકો એક મોટી સમસ્યા પણ લાવે છે. વધુ પડતા તાપને લીધે આપણા મનપસંદ ટી-શર્ટ, કુર્તા કે મોંઘી સાડીઓનો રંગ ઉડી જાય છે અને તે થોડાક જ સમયમાં જૂના અને ઝાંખા દેખાવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે કપડાંનો રંગ ઉડવા માટે માત્ર સૂર્યપ્રકાશ જ નહીં, પરંતુ આપણી ધોવાની ખોટી પદ્ધતિઓ પણ જવાબદાર છે? જો તમે ઇચ્છો છો કે તમારા કપડાં લાંબા સમય સુધી નવા જેવા જ ચમકતા રહે, તો લોન્ડ્રી કરતી વખતે આ સરળ બાબતો ખાસ ધ્યાનમાં રાખો.


કપડાંનો અસલી રંગ જાળવી રાખવાની સ્માર્ટ ટીપ્સ

કપડાંને હંમેશા ઊંધા કરીને સૂકવો : મોટાભાગના લોકો કપડાંને સીધા જ વોશિંગ મશીનમાં નાખી દે છે. આમ કરવાથી કપડાંની બહારની સપાટી પર વધુ ઘસારો થાય છે અને રંગ ઝડપથી ફિક્કો પડી જાય છે. હંમેશા રંગીન કપડાંને ઊંધા કરીને ધોવાની અને સૂકવવાની આદત પાડો. આનાથી સૂર્યના કિરણો સીધા કપડાંના મુખ્ય ભાગ પર અસર નથી કરતા અને રંગ સુરક્ષિત રહે છે.

મીઠું અને સરકાનો કરો ઉપયોગ  : જ્યારે પણ તમે કોઈ નવું રંગીન કપડું માર્કેટમાંથી લાવીને પહેલીવાર ધોવા માટે કાઢો, ત્યારે તેને સામાન્ય પાણીમાં ધોવાને બદલે થોડું મીઠું અથવા સરકો (વિનેગર) મિક્સ કરેલા પાણીમાં થોડીવાર પલાળી રાખો. આ પ્રક્રિયા કપડાના કલરને ફેબ્રિક સાથે બરાબર સેટ (Lock) કરી દે છે, જેથી તે તડકામાં પણ ઝાંખા પડતા નથી.

ગરમ પાણી નહીં ઠંડા પાણીનો કરો ઉપયોગ  : ઘણા લોકો કપડાંની ગંદકી સાફ કરવા ગરમ પાણી વાપરે છે, પરંતુ ગરમ પાણી ફેબ્રિકના પાકા રંગોને પણ તોડી નાખે છે, ખાસ કરીને ડાર્ક કલરના કપડાંને. કપડાં ધોવા માટે હંમેશા ઠંડા અથવા રૂમ ટેમ્પરેચરના પાણીનો જ ઉપયોગ કરો. આ ઉપરાંત, કપડાં ધોવા માટે હંમેશા માઇલ્ડ (હળવા) ડિટર્જન્ટનો ઉપયોગ કરો અને તેની માત્રા વધુ પડતી ન રાખો.

કપડાંને લાંબા સમય સુધી તીવ્ર તડકામાં ન છોડો : કપડાં સુકાઈ જાય તે માટે સૂર્યપ્રકાશ જરૂરી છે, પણ એકવાર કપડાં સુકાઈ ગયા પછી પણ તેને કલાકો સુધી દોરી પર તડકામાં લટકતા રાખવાથી ફેબ્રિક ડેમેજ થાય છે અને કલર કેમિકલ રિએક્શનના કારણે ઉડી જાય છે. કપડાં સુકાઈ જાય એટલે તરત જ લઈ લો.

આ મહત્વની વાતો રાખો ધ્યાનમાં

જો તમે વોશિંગ મશીનમાં અથવા તો બહાર કપડાં ધોતા હોય તો આ બાબત જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. સફેદ અને રંગીન કપડાંને ક્યારેય એકસાથે ન ધોવા, બંનેને હંમેશા અલગ રાખો. કપડાં પર વારંવાર કે જરૂર વગર બ્લીચનો ઉપયોગ કરવાનું ટાળો.  વોશિંગ મશીનને કપડાંથી ઓવરલોડ ન કરો, ક્ષમતા મુજબ જ કપડાં નાખો જેથી ઘસારો ઓછો થાય. કોઈપણ કપડું ધોતા પહેલા તેના લેબલ પર આપેલી 'વોશિંગ ઈન્સ્ટ્રક્શન' ચોક્કસ વાંચો. ધોવાની અને સૂકવવાની આ નાની આદતો બદલીને તમે તમારા મનપસંદ આઉટફિટ્સને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો.


આ પણ વાંચો : Beauty Tips: નાક પરના બ્લેકહેડ્સથી છો પરેશાન? અપનાવો આ ટીપ્સ, ત્વચા થશે ચમકાદાર

  • Follow us on: