જો તમે અથવા તમારા કોઈ પરિચિત તમાકુ કે સિગારેટની જીવલેણ લતથી પરેશાન છે અને તેને છોડવા માંગે છે, તો તેમના માટે એક બહુ જ સારા સમાચાર છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS), નવી દિલ્હીના એક તાજેતરના સંશોધનમાં સામે આવ્યું છે કે યોગ નિયમિત કરવાથી તમાકુની લતમાંથી ખૂબ જ સરળતાથી મુક્તિ મેળવી શકાય છે. એક્સપર્ટ્સના મતે, તમાકુના સેવન પાછળ માત્ર નિકોટિનની તલબ જ નહીં, પરંતુ માનસિક તણાવ (Stress), ચિંતા અને ભાવનાત્મક નબળાઈ પણ મુખ્ય કારણો છે.


રિસર્ચમાં શું બહાર આવ્યું?

'નિકોટિન એન્ડ ટોબેકો રિસર્ચ' જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં ભારત, અમેરિકા અને થાઈલેન્ડ સહિતના દેશોના 629 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ નિયમિતપણે યોગ, પ્રાણાયામ અને મેડિટેશન (ધ્યાન) નો આશરો લીધો, તેમનામાં તમાકુ છોડવાની સફળતાનો દર સામાન્ય લોકો કરતા 50 ટકા વધુ જોવા મળ્યો હતો. યોગ વ્યક્તિને માનસિક રીતે મજબૂત બનાવે છે, જેનાથી તે ક્રેવિંગ્સ (તલબ) પર સરળતાથી કાબૂ મેળવી શકે છે.

એમ્સના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ગૌતમ શર્માએ જણાવ્યું કે, "યોગ એ શરીર અને મન બંને સ્તરે કામ કરતી એક હોલિસ્ટિક પદ્ધતિ છે. તે વજન નિયંત્રણ, ઇમોશનલ બેલેન્સ અને સેલ્ફ-કેરને સુધારે છે. તણાવના કારણે લોકો ફરીથી તમાકુ તરફ વળે છે, પરંતુ પ્રાણાયામ અને મેડિટેશન આપણી મેન્ટલ હેલ્થને મજબૂત કરે છે જેથી પ્રભાવિત વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિનો પણ દૃઢતાથી સામનો કરી શકે છે."

સિગારેટની લત એક ઝાટકે કેવી રીતે છોડવી?

બીજી તરફ, સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ ડૉ. સજીલા મેનીએ એક મહત્વની સલાહ આપતા જણાવ્યું છે કે, જો તમે સિગારેટ કે તમાકુ છોડવા માંગતા હોવ તો તેને ધીમે-ધીમે ઓછી કરવાના બદલે એક જ વારમાં સંપૂર્ણપણે બંધ કરી દો. તબીબી ભાષામાં આ પદ્ધતિને 'કોલ્ડ ટર્કી મેથડ' (Cold Turkey Method) કહેવામાં આવે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે રોજની 10 માંથી 9 કે 8 સિગારેટ કરવાનો આઈડિયા મોટેભાગે નિષ્ફળ જાય છે. સફળતા મેળવવી હોય તો ગમે તેટલી સિગારેટ પીતા હોવ, તેને સીધી શૂન્ય (0) પર લાવી દેવી એ જ સૌથી કારગર ઉપાય છે.

આ પણ વાંચો:Canada:ઇમિગ્રેશનની કડક નીતિ નડી! કેનેડાની વસ્તીમાં નોંધાયો મોટો ઘટાડો, શું સરકાર ફરીથી નિયમો હળવા કરશે?

  • Follow us on: