- ઉત્તરાયણે રહે છે ઉંધિયાની ડિમાન્ડ
- અનેક શાકને એકસાથે ખાસ રીતે બનાવવાથી બને છે ઉંધિયું
- ટ્રેડિશનલ વાનગીના કારણે વધી જાય છે તહેવારની મજા
તહેવાર આવે અને તેની સાથે અનેક પરંપરા અને માન્યતાઓ પણ લાવે છે. તહેવારની મજા સાથે કેટલીક ખાસ વાનગીઓની મજા પણ માણવાની મજા આવે છે. ઉત્તરાયણમાં તલ, શિંગ, ગુંદરના લાડુ, ચીકી, ખજૂરની અલગ અલગ વાનગીઓ, જલેબી, ઉંધિયું અને પૂરી. વાહ આવી ગયું ને મોઢામાં પાણી. તો આજે તૈયાર કરી લો પરિવારના સભ્યો માટે ઉત્તરાયણે બનતું ખાસ ઉંધિયું. તેમાં પણ જો તમે સુરતી ઉંઘિયું બનાવી લેશો તો તેનો સ્વાદ તમામ લોકોને પસંદ આવશે અને પરિવારના સભ્યો તેને બે હાથે ખાશે. તો જાણો તમારે આ માટે કઈ કઈ વસ્તુઓ લાવવાની રહેશે.
સુરતી ઊંધિયું
સામગ્રી
-500 ગ્રામ બટાકા
-500 ગ્રામ શક્કરિયાં
-150 ગ્રામ રતાળુ
-100 ગ્રામ ચણાનો જાડો લોટ
-1 ટી સ્પૂન લાલ મરચું
-1 ટી સ્પૂન હળદર
-2 ટી સ્પૂન ધાણાજીરું
-1 ટી સ્પૂન બૂરું ખાંડ
-150 ગ્રામ મેથીની ભાજી
-150 ગ્રામ નાના રવૈયા
-25 ગ્રામ આદુ
-100 ગ્રામ લીલાં મરચાં
-1 મોટી ઝૂડી કોથમીર
-2 ટી સ્પૂન ખાંડ
-1/2 ટી સ્પૂન સાજીના ફૂલ
-1 ટી સ્પૂન ગરમ મસાલો
-2 ટી સ્પૂન તલ
-1/4 ટી સ્પૂન હિંગ
-1/2 ટી સ્પૂન નારિયેળનું છીણ
-75 ગ્રામ લસણ
-4 આખા મરચાં
-1 ટી સ્પૂન અજમો
-500 ગ્રામ ફોલવાની પાપડી
-150 ગ્રામ દાણા વગરની પાપડી
-350 ગ્રામ તુવેર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર પ્રમાણે
રીત
બટાકા, શક્કરિયા અને કંદને છોલી, ધોઈ લૂછી, ટુકડા કરો અને ત્રણેય ચીજને તેલમાં નાખી તળી નાખો. ચણાના જાડા લોટમાં ઘંઉનો જાડો લોટ, મીઠું, અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણાજીરું, ૧ ચમચી બૂરું ખાંડ નાંખો. તેમાં વધારે મોણ નાખો. મેથીની ભાજીને સમારીને, ધોઈને ચાળણીમાં કાઢો. તેમાં મીઠું નાખી મસળો અને પાણી નીચોવીને કાઢી નાખો, આનાથી કડવાશ જતી રહેશે. આ ભાજી, લોટમાં નાખી લોટને મસળો અને કઠણ લોટ રાખી, મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળો. રવૈયાને ધોઈને બે તરફથી કાપા કરો. વાટેલા આદું-મરચાં, કોથમીર, ખાંડ, મીઠું, ધાણાજીરું, સહેજ સાજીના ફૂલ, ગરમ મસાલો, તલ ભેગાં કરી મસાલો તૈયાર કરો. આ મસાલો રવૈયામાં ભરો. લીલવા પણ વાટીને નાખી શકાય.
હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી રવૈયા વધારો અને ચડાવા દો. કોથમીરને ઝીણી સમારી ધોઈને થાળીમાં મૂકો. તેમાં વાટેલું આદુ, વાટેલાં મરચાં નાખો. તલ, કોપરાની છીણ, વાટેલું લસણ, ખાંડ, મીઠું અને ધાણાજીરું નાખો. બધું ભેગુ કરીને મસાલો તૈયાર કરો. વધારે તેલ મૂકીને તેમાં આખાં લાલ મરચાં, અજમો, મરચું, હળદર અને હિંગ નાખીને પાપડી, વાલના દણા અને લીલવા નાખવા. થોડું મીઠું અને સાજીના ફૂલ પાણીમાં ઓગાળીન નાખવા. ઢાંકીને ચડવા દો. કૂકરમાં એક વ્હીસલ વગાડીને બાફી પણ શકો. કોથમીરમાં નાખેલા મસાલામાં ગરમ મસાલો નાંખો અને બટાકા, શક્કરિયાં, રતાળુ તળીને નાખો. પછી બધું ભેળવો. પછી તેમાં મૂઠિયાં અને ચડેલા રવૈયા નાંખો. દાણા ચડી જાય એટલે આ બધું તેમાં નાખી દો. બરાબર મિક્સ કરો. તૈયાર છે ટેસ્ટફૂલ સુરતી ઉંધિયું.