• પરિવારને દાઢે વળગશે ખીચડીનો સ્વાદ
  • કઠોળ ન ભાવનારાને માટે આ ખીચડી વરદાન સમાન
  • ઝડપથી બની જતી ખીચડી ડિનર માટે બેસ્ટ ઓપ્શન

કઠોળમાં મોટા પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. આ સાથે કેટલાક પરિવારમાં એકલું કઠોળ કે કઠોળની ચાટને પસંદ કરાતી નથી. આમ છતાં જો તમે કઠોળને તમારી થાળીમાં સામેલ કરવા ઈચ્છો છો તો તમે તેની મદદથી ખાસ ખીચડી તૈયાર કરી શકો છો. આ વાનગીઓથી બાળકોની સાથે-સાથે પતિ પણ થશે ખુશ. તો એકવાર તમારા રસોડામાં બનાવો આ ખાસ ખીચડી.તેનો ટેસ્ટ તમને હંમેશા યાદ રહેશે.

કઠોળની ખીચડી

સામગ્રી

-1 વાટકી ફણગાવેલા મગ

-1/4 વાટકી લાલ ચોળા

-1/4 વાટકી ચોખા

-1/4 વાટકી ફોતરાવાળી મગની દાળ

-1 વાટકી મિકસ સમારેલું શાક

-1 વાટકી દહીં

-1 નંગ સજાવટ માટે ટામેટુ

-1 નંગ કેપ્સિકમ

-મીઠું સ્વાદ મુજબ

-મરચું પ્રમાણસર

-હળદર પ્રમાણસર

-તેલ પ્રમાણસર

બનાવવાની રીત

ફોતરાવાળી મગની દાળ ધોઈને તેમાં ફણગાવેલા મગ, ચોળા અને ચોખા મિકસ કરો. હવે કૂકરને ગરમ કરવા રાખો. કૂકરમાં તેલનો વઘાર મૂકી વઘારેલી ખીચડી બનાવવાની તૈયારી કરો. સૌ પહેલાં તેમાં સમારેલું મિકસ શાક, હળદર, મીઠું, મરચું વગેરે ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરો. આ સાથે જ તેમાં મગ, ચોળા અને ચોખાને ઉમેરો. હવે કૂકરને બંધ કરીને 2 સીટી લો. બીજી બાજુ મલાઇ વગરના દૂધનું દહીં પોટલીમાં બાંધી નીતરવા મૂકો. ખીચડી તૈયાર થઇ જાય એટલે ઓવનમાં મૂકી શકાય એવા ડબ્બામાં તેલ લગાવી તૈયાર થયેલી ખીચડીને તેમાં પાથરો. તેની ઉપર નીતરી ગયેલા દહીંનું લેયર બનાવો. ખીચડીને સજાવવા માટે ટામેટા કેપ્સિકમને ગોળ-ગોળ સમારી મૂકો. પછી તેને ઓવનમાં 350 ડિગ્રી તાપમાન પર 20 મિનિટ સુધી બેક કરો. દહીં સાથે ગરમ-ગરમ પીરસો.

  • Follow us on: