- મગફળી શેકીને પછી પરફેક્ટ માપ સાથે બનાવો ચીકી
- તલની ચીકી માટે પણ યોગ્ય પ્રમાણ હોવું જરૂરી
- ગોળનો પાયો પરફેક્ટ હશે તો ચીકી તૂટશે નહીં અને કડક નહીં બને
શિયાળો અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમે માર્કેટમાંથી તલ કે શિંગની પરંપરાગત ચીકી લાવો છો તો રોકાઈ જાઓ. તમે ઓછી મહેનતે ઘરે જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ચીકી ખાસ નુસખાની મદદથી બનાવી શકો છો. તો જાણો શું કરવું અને શું નહીં.
શિંગની ચીકી
જ્યારે તમે શિંગની ચીકી બનાવવાનું શરૂ કરો ત્યારે પહેલા તો મગફળીને ધીમા તાપે શેકી લો. મગફળી શેકીને ઠંડી થાય એટલે તેના છોતરાં કાઢી લો, આ કામ ધ્યાનથી કરો. જો મગફળી વધારે શેકાઈ જશે તો તેમાં કડવાશ આવી જશે. તમે તેને ધીમા તાપે સતત હલાવતા રહીને શેકો તે જરૂરી છે.
કેવી રીતે તૈયાર કરશો ગોળનો પાયો
જ્યારે તમે ચીકી બનાવો છો તો ગોળનો પાયો ખાસ મહત્ત્વનો છે. જો તે પરફેક્ટ નહીં હોય તો તમારી ચીકી લાકડા જેવી કડક થશે અથવા તો બરોબર વણાશે નહીં. ગોળનો પાયો કરતા પાણી અને ગોળનું માપ પરફેક્ટ રાખવું જરૂરી છે. તો જાણો યોગ્ય પ્રમાણ.
સામગ્રી
- ગોળ- 100 ગ્રામ
- પાણી- 50 ગ્રામ
- એલચી- 4 નંગ
- દેશી ઘી- 2 ચમચી
આ રીતે તૈયાર કરો ગોળનો પાયો
એલ્યુમિનિયમની કઢાઈ લો અને તેમાં ગોળને શક્ય તેટલો ઝીણો સુધારીને પાણીમાં મિક્સ કરીને ગરમ કરો. ચાસણી ઘટ્ટ થાય એટલે ઉભરો આવશે. આ સમયે આંગળી અને અંગૂંઠાની વચ્ચે તેને ચોંટાડીને જુઓ. જો બંને એકમેક સાથે ચોંટશે તો તમારી ચાસણી તૈયાર છે. હવે તમે ચીકી બનાવશો તો તે તૂટશે નહીં. યાદ રાખો કે મિશ્રણ ઠંડું થાય તે પહેલાં જ તેમાંથી ચીકી તૈયાર કરી લેજો. જો ચીકી બરોબર ન બને તો થોડું ઘી ગરમ કરો અને પછી તેને ચીકીના મિશ્રણમાં ઉમેરો. ચીકી સારી રીતે વણાશે.
આ માપથી બનાવો પરફેક્ટ ચીકી
સામગ્રી
- મગફળી-1/2 કપ
- તલ-1/4 કપ
- ગોળ-1/4 કપ
- ઘી-1 ચમચી
શેકેલી શિંગ લો અને ગોળની ચાસણી બંનેને મિક્સ કરો અને પછી તેને હાથથી ભેગું કરીને ગોળ કરો. હવે ઘી વાળો હાથ કરીને તેની પર લગાવો. વેલણ પર થોડું ઘી લગાવીને આ મિશ્રણને ફટાફટ વણી લો. તમે ઈચ્છો તેટલી જાડી રાખો. જ્યારે તમે તેને વણી લો તે સમયે જ તેની પર ચપ્પાથી કાપા પાડી લો. હવે થોડી વાર પછી આ ચીકીને હાથથી તોડી લો અને એરટાઈટ ડબ્બામાં ભરી લો.
નોંધ- જો તમે તલની ચીકી બનાવવા ઈચ્છો છો તો તમે તલને શેકીને ઉપરની રીતે ચીકી બનાવી શકો છો. આ સિવાય અન્ય એક રીતમાં તમે જ્યારે તલ લાવો ત્યારે તેને 2-3 કલાક પલાળીને રાખો. આ પછી તમે તેનું પાણી નિતારી લો. હવે એક કોટન કપડા પર તલને પાથરો અને પછી તેની પર હથેળીની મદદથી તેને ઘસો. આમ કરવાથી તલના છોતરાં નીકળી જશે અને તે સફેદ દેખાશે. હવે તમે આ તલને શેકી લો અને પછી તેની ચીકી બનાવો. આ રીતે બનાવેલી ચીકી પણ સ્વાદિષ્ટ લાગે છે.