• અનેક શાકથી બને છે ઊંધિયું
  • ઊંધિયા વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો છે
  • પુરીની સાથે માણો ઊંધિયાની મજા

જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ છે અને સાથે જ માર્કેટમાં અનેક પ્રકારના ઊંધિયાના શાક મળતા થઈ ચૂક્યા છે. જો તમે દર વર્ષે બહારથી ઊંધિંયું લાવીને મોજ માણો છો તો તમે તેને ઘરે જ સ્વાદિષ્ટ રીતે બનાવી શકો છો. ઊંધિયા વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો છે. તો જાણો સરળ રીતે ઘરે કઈ રીતે રેસિપિ બનાવી શકાશે. ટ્રેડિશનલ રીતે તમે ઘરે જ અનેક શાકની મદદથી આ રેસિપિ બનાવી શકશો.

ઊંધિયું

સામગ્રી

-500 ગ્રામ પાપડી

-500 ગ્રામ લીલા વટાણા

-250 ગ્રામ રતાળુ

-250 ગ્રામ શક્કરીયા

-250 ગ્રામ નાની બટાકીઓ

-200 ગ્રામ તુવેર

-200 ગ્રામ નાના રીંગણ

-100 ગ્રામ કોથમીર

-50 ગ્રામ લીલું લસણ

-50 ગ્રામ વાટેલા તલ

-2 ચમચી ધાણાજીરૂં

-1 વાટકો મેથીના મુઠીયા

-2 ચમચી ખાંડ

-1 ચમચી અજમો

-1/2 ચમચી ગરમ મસાલો

-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ એક તપેલામાં તેલ ગરમ કરો. તેમાં અજમાનો વઘાર કરો. આ વઘારમાં સાફ કરેલી પાપડી નાંખો. થોડો સોડા અને થોડું મીઠું નાંખી તેને ખદબદવા દો. ત્યારબાદ તેમાં કાપા પાડેલા શક્કરીયા, બટાકા, રીંગણ, રતાળુ અને લીલા મરચાં ઉમેરો. હવે તેમાં વાટેલુ આદું, કોથમીર, લીલું લસણ, ધાણા પાઉડર, મીઠું, વાટેલા તલ, નાળીયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તપેલા પર એક થાળી ઢાંકો. આ થાળીમાં પાણી ભરી રાખો. જેથી તે પાણીની વરાળ તપેલાની અંદરની સાઈડ ઉતરે અને શાક સારી રીતે ચઢે. જો તપેલાંમાં ન બનાવવું હોય તો કુકરમાં શાક બનાવો અને 2 સિટી બોલાવી લો. થોડી થોડી વારે તપેલા શાકને હલાવવું. શાક ચઢી જાય એટલે ગેસ બંધ કરી દેવો. પછી આ તૈયાર થયેલા શાકમાં મુઠીયા ઉમેરી દેવા અને તપેલાને ફરી ઢાંકી દેવું. 15 મિનિટ શાકને તપેલામાં ઢાંકેલુ રાખવું. બાદમાં આ શાકને કોથમીર અને લીલા લસણથી ગાર્નિશ કરી સર્વ કરો.

(જો તમે કૂકરમાં આ શાક બનાવવા ઈચ્છો છો તો તમે તેને તમામ સ્ટેપ ફોલો કરીને કૂકરમાં મિક્સ કરો, તમે 2 સીટી લઈ લો. તમામ શાક સારી રીતે ચઢી જશે. )

  • Follow us on: