• રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન 24 વર્ષના લાંબા ગાળા બાદ નોર્થ કોરિયાની મુલાકાતે ગયા. પુટિન અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. આ મુલાકાતની યુદ્ધ પર કેવી અસર થશે?
  • સવા બે વર્ષ કરતા વધુ સમયથી યૂક્રેન સાથે લડતા રશિયા પાસે હવે હથિયારો ખૂટી ગયા છે. નોર્થ કોરિયા ખાનગી રાહે રશિયાને હથિયારોની મદદ કરે છે. ચીન પાછલા બારણે રમત રમી રહ્યું છે. અમેરિકા તમાશો જોવા સિવાય કંઇ કરી શકે એમ નથી

દુશ્મનનો દુશ્મન દોસ્ત એ નાતો પહેલેથી ચાલ્યો આવે છે. દુશ્મનોની દુશ્મની વધે એની સાથો સાથ દોસ્તોની દોસ્તી પણ ગાઢ થતી હોય છે. રશિયા અને નોર્થ કોરિયા બંને અમેરિકાના કટ્ટર દુશ્મન છે. હવે બંનેએ સાથે મળીને અમેરિકાના તમામ પડકારોનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે. ચોવીસ વર્ષના લાંબા ગાળા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન નોર્થ કોરિયાની મુલાકાતે ગયા. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પુટિનનું ભવ્ય સ્વાગત કર્યું. પુટિન સામે યુદ્ધ અપરાધોના કારણે ઇન્ટરનેશનલ કોર્ટે એરેસ્ટ વોરંટ ઇશ્યૂ કર્યું છે. યુદ્ધ પછી પુટિન અત્યંત વિશ્વાસુ મિત્ર દેશ સિવાય ક્યાંય જતા નથી. નોર્થ કોરિયા કોઇ જતું નથી એટલે કિમ જોંગ ઉન માટે આ મોટો પ્રસંગ હતો. કિમ જોંગ ઉન પોતે પુટિનને લેવા માટે એરપોર્ટ ગયા હતા. પુટિનને ગળે મળીને કિમે તેનું સ્વાગત કર્યું. બંને એક જ કારમાં એરપોર્ટથી સાથે નીકળ્યા. રોડ પર પુટિનના સ્વાગત માટે મોટા મોટા પોસ્ટરો લગાવાયા હતા. પુટિનનો ઉતારો નોર્થ કોરિયાની રાજધાની પ્યોંગયાગમાં આવેલા કુમસુસન ગેસ્ટ હાઉસમાં રખાયો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નોર્થ કોરિયા ગયા ત્યારે તેઓ પણ અહીં જ રોકાયા હતા. નોર્થ કોરિયાને જાપાનથી જુદા પડ્યા પછી રશિયા સાથે સારાસારી રહી છે. સામા પક્ષે સાઉથ કોરિયા અમેરિકાના પ્રભુત્ત્વમાં છે. નોર્થ કોરિયાના ન્યૂક્લિયર ઉધામા પછી અમેરિકાએ સખત પ્રતિબંધો લાદ્યા છે એટલે નોર્થ કોરિયાની માઠી દશા બેઠી છે. ચીન અને રશિયાના કારણે નોર્થ કોરિયા ટકી રહ્યું છે. નોર્થ કોરિયા દર થોડા દિવસે ખતરનાક હથિયારોના પરીક્ષણો કરતું રહે છે. નોર્થ કોરિયાની હથિયારો પાછળ મોટો ખર્ચ કરવાની ત્રેવડ જ નથી પણ ચીન અને રશિયાની મહેરબાનીથી તેને કંઇ વાંધો આવતો નથી.

નોર્થ કોરિયાના વડા કિમ જોંગ ઉન હજુ ગયા વર્ષે સપ્ટેમ્બર, 2023માં રશિયાની મુલાકાત લીધી હતી. પુટિન 1999માં રશિયાના રાષ્ટ્રપતિ બન્યા એના બીજા જ વર્ષે નોર્થ કોરિયા ગયા હતા. એ વખતે કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલના હાથમાં દેશનું શાસન હતું. એ પછી તો રશિયાને નોર્થ કોરિયાની બહુ જરૂર પડી નહોતી પણ અત્યારે રશિયા માટે નોર્થ કોરિયા મહત્વનો દેશ બની ગયો છે. નોર્થ કોરિયા રશિયાને હથિયારો સપ્લાય કરે છે. અમેરિકાએ એવું કહ્યું હતું કે, સપ્ટેમ્બર, 2022માં નોર્થ કોરિયાએ મોટા પ્રમાણમાં રશિયાને હથિયારોનો જથ્થો પૂરો પાડ્યો હતો. જાન્યુઆરી, 2023માં નોર્થ કોરિયાથી હથિયારો ભરીને રશિયા જતી એક ટ્રેનની સેટેલાઇટ તસવીરો અમેરિકાએ રીલિઝ કરીને કહ્યું હતું કે, નોર્થ કોરિયાના કરતૂતો અમે જાણીએ છીએ. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે, નોર્થ કોરિયાએ રશિયાને અત્યાર સુધીમાં ગોલા બારૂદથી ભરેલા 11 હજારથી વધુ કન્ટેનરો મોકલ્યા છે. અમેરિકા કહે છે કે, નોર્થ કોરિયા જે કરી રહ્યું છે એના પરિણામો તેણે ભોગવવા પડશે. કિમ જોંગ ઉનને અમેરિકાની ધમકીઓથી નયા ભારનો ફેર પડતો નથી. કિમ તો સામી ધમકીઓ આપતો રહે છે કે, અમને કંઇ કર્યું છે તો તમારા પર મિસાઇલ છોડતા વાર નહીં લાગે!

અમેરિકાની થિંક ટેન્ક સ્ટિમસન સેન્ટરની જેની ટાઉને કહ્યું કે, રશિયા અને નોર્થ કોરિયા જે રીતે નજીક આવ્યા છે એ અમેરિકા માટે સૌથી મોટી ચિંતાના વિષય છે. આ બંને દેશ હવે સૈન્ય ભાગીદાર બની ગયા છે. 2006માં નોર્થ કોરિયાએ પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. એ વખતથી અમેરિકાએ તેની સામે પ્રતિબંધો લાદ્યા છે. અઢાર વર્ષ થઇ ગયા છતાં નોર્થ કોરિયા ટકી રહ્યું છે. એક રીતે જોવા જઇએ તો એ અમેરિકાની નિષ્ફળતા છે. અમેરિકાનું પ્રતિબંધોનું હથિયાર હવે બુઠ્ઠું થઇ ગયું છે. અમેરિકા જે પ્રતિબંધો લાદે છે એ હવે તેના માટે જ ભારે પડી રહ્યા છે. અમેરિકાના વિરોધી દેશોની લોબી વધુ સક્ષમ થઇ રહી છે. રશિયા, નોર્થ કોરિયા, ચીન, પાકિસ્તાન, ઇરાન અને બીજા દેશોએ સાથે મળીને નવો ચોકો જમાવ્યો છે. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ બાદ અમેરિકાની નજીક રહેનારા મુસ્લિમ દેશો પણ નારાજ છે. અમેરિકાની સ્થિતિ હાકલા પડકારા સિવાય કંઇ કરી શકે નહીં એવી થઇ ગઇ છે.

પુટિન અને કિમની મુલાકાતથી ચીન મૂછમાં હસી રહ્યું છે. જે ગેઇમ ચાલી રહી છે એમાં ચીનનો દોરીસંચાર પણ નાનોસૂનો નથી. ચીન સીધી રીતે રશિયાને હથિયારો આપી શકે એમ નથી એટલે તે નોર્થ કોરિયા મારફતે રશિયાને મદદ કરી રહ્યું છે. રશિયા સામે અમેરિકા અને બીજા દેશો જે રીતે એકશન લઇ રહ્યા છે એ જોઇને રશિયા પણ દાવ અજમાવતું રહે છે. થોડા દિવસો પહેલા ઇટાલીમાં જી7 દેશોના વડાઓની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન યૂક્રેનને પચાસ અબજ ડોલરની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ લોન અમેરિકાએ જપ્ત કરેલી રશિયન સંપત્તિમાંથી જ ચૂકવવાની છે. પુટિને એ વખતે કહ્યું હતું કે, તમે જ યુદ્ધ વકરાવવાના ધંધા કરો છો ત્યારે અમારી પાસે કોઇ સારી અપેક્ષા ન રાખતા. સ્વિટ્ઝર્લેન્ડમાં મળેલી યૂક્રેન પીસ કોન્ફરન્સમાં 80 દેશોએ રશિયાને યુદ્ધ ખતમ કરવા કહ્યું. બધા લોકો માત્ર વાતો કરે છે પણ બધાના કારનામા એવા જ છે જેનાથી યુદ્ધ પૂરું થવાના બદલે વધુ ઉગ્ર બને.

પુટિન અને કિમે સાથે મળીને શું નક્કી કર્યું એની કોઇ વિગતો બેમાંથી કોઇએ જાહેર કરી નથી. આમ તો સમજી શકાય એવી વાત છે કે, રશિયાએ વધુ હથિયારોની ડિમાન્ડ કરી હશે અને સામા પક્ષે નોર્થ કોરિયાએ પણ જીવન જરૂરિયાતની ચીજો માંગી હશે. રશિયાના પ્રેસિડેન્ટ પુટિન નોર્થ કોરિયાથી વિએટનામની મુલાકાતે પણ જવાના છે. પુટિનની ગતિવિધિઓ પર અમેરિકાની નજર છે પણ એ એક હદથી વધુ કંઇ કરી શકે એમ નથી. રશિયા અને અમેરિકા બંને પોતપોતાની રીતે ચાલ ચાલી રહ્યા છે. અમેરિકા યૂક્રેન વતી રશિયા સામે લડી રહ્યું છે. અમેરિકાના પગલે પગલે તેના મિત્ર દેશોએ પણ ઢસડાવું પડે છે. અમેરિકા ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે પણ મિત્ર દેશ ઇઝરાયેલ અમેરિકાની વાત માનતું નથી. આ બધા વચ્ચે આપણો દેશ ચૂપચાપ જે કરવું જોઇએ એ કરતો રહે છે. આપણે આમ જોવા જઇએ તો કોઇની તરફેણમાં નથી અને કોઇની વિરૂદ્ધમાં પણ નથી. આપણે તટસ્થ છીએ અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે અમે યુદ્ધમાં નહીં પણ બુદ્ધમાં માનનારા છીએ. રશિયાની નજીક રહેવાનો ફાયદો ભારતને મળ્યો છે. રશિયાથી વાજબી ભાવે ભારતને ઓઇલ મળે છે. આપણે ઓઇલની આયાત પર નિર્ભર હોવા છતાં અત્યારે ઓઇલની નિકાસ કરીએ છીએ! દુનિયાનો દરેક દેશ જો પોતાના સ્વાર્થ જોતો હોય તો આપણે શા માટે આપણું હિત ન જોઇએ? બાકી, જે ખેલ ખેલાઇ રહ્યા છે એનાથી દુનિયાની જે સ્થિતિ છે એના કરતા વધુ ખરાબ જ થવાની છે!


  • Follow us on: