આખી દુનિયામાં ઉકળાટ ફેલાયો છે ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે, બે દેશ હવે દોસ્તી માટે આગળ વધી રહ્યા છે! અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નાર્ગોનો કારાબાખ માટે યુદ્ધ થયું હતું. યુદ્ધ અઝરબૈજાને જીત્યું છે. હવે બંને દેશ દુશ્મની ભૂલીને સંબંધો સુધારી રહ્યા છે. આ બંને દેશ એક સમયે સોવિયત સંઘનો હિસ્સો હતા.
સમગ્ર વિશ્વમાં અત્યારે ઉકળાટ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભલે યુદ્ધવિરામ લાગુ થયો હોય પણ હજુ ગમે ત્યારે ગમે તે થાય એવી સ્થિતિ પેદા થયેલી છે. અમેરિકા ઇરાન સહિત દુનિયાના અનેક દેશોને જાતજાતની ધમકીઓ આપી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં દુનિયાના દેશો વચ્ચે સંબંધોના સમીકરણો સંપૂર્ણપણે બદલી ગયા છે. બે બે મોટા યુદ્ધોના કારણે આખી દુનિયાને નાની મોટી અસરો પહોંચી છે. આ દરમિયાનમાં એક સારા સમાચાર એ આવ્યા છે કે, બે કટ્ટર દુશ્મનો અઝરબૈજાન અને આર્મેનિયા હવે ચાર દાયકા જૂની દુશ્મની ભૂલીને સંબંધો સુધારવા તરફ આગળ વધી રહ્યા છે. આ બંને દેશ વચ્ચે નાર્ગોનો અને કારાબાખ નામના વિસ્તાર માટે યુદ્ધ થયું હતું. યુદ્ધ અઝરબૈજાને જીત્યું હતું. યુદ્ધ પછી એવું લાગતું હતું કે, હવે આ બંને દેશ વચ્ચે ક્યારેય સંબંધો સુધરશે નહીં અને સમયે સમયે સંઘર્ષ છેડાતો રહેશે, પણ એવું થયું નથી. જે થવાનું હતું એ થઇ ગયું, હવે લડાઇ કરવાનો કોઇ અર્થ નથી એવું વિચારીને બંને દેશોએ સંબંધો સુધારવાનું નક્કી કર્યું છે. આર્મેનિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે અઝરબૈજાન સાથે શાંતિ કરાર કરવા માટે તૈયાર છીએ. પડોશી દેશ સાથે અમને તણાવ જોઇતો નથી. અઝરબૈજાને પણ તેનો પોઝિટિવ પ્રતિભાવ આપ્યો છે અને કહ્યું છે કે, અમે પણ સમજૂતી કરીને સંબંધો સુધારવાની રાહ જોઇએ છીએ. બંને દેશ દોસ્તી માટે તૈયાર થઇ ગયા છે. હવે સ્થળ અને સમય નક્કી થાય એટલે બંને દેશના વડાઓ સાથે મળીને પીસ ડીલ પર હસ્તાક્ષર કરશે. બંને દેશ સંબંધો તો સુધારશે પણ જે કડવાશ ફેલાઇ છે એ આસાનીથી દૂર થશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે.
શું છે બંને દેશ વચ્ચે દોસ્તી અને દુશ્મનીનો ઇતિહાસ?
એક સમયે અઝરબૈજાન અને આર્મેનિયા બંને સોવિયત સંઘનો હિસ્સો હતા. યુએસએસઆર એટલે કે યુનિયન ઓફ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક્સનો 1991માં અંત આવ્યો અને બધા દેશ જુદા પડી ગયા. અઝરબૈજાન અને આર્મેનિયાને પણ અલગ અસ્તિત્ત્વ મળ્યું. આ બંને દેશ યુએસએસઆર સાથે હતા ત્યારે પણ બંને વચ્ચે નાગોર્નો કારાબાખ વચ્ચે વિવાદ ચાલતો હતો. જુદા પડ્યા એ પછી આ સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. આ વિસ્તાર માટેનો વિવાદ પણ ખૂબ જ રસપ્રદ છે. નાર્ગોનો કારાબાખ 4,400 ચોરસ કિલોમિટરનો પહાડી વિસ્તાર છે. ઓફિશિયલી તો નાર્ગોનો કારાબાખ પહેલેથી જ અઝરબૈજાનનો હિસ્સો રહ્યું છે. જો કે આર્મેનિયાનો તેના પર કબજો હતો. આર્મેનિયાએ તેને સ્વતંત્ર ક્ષેત્ર જાહેર કર્યું હતું. આર્મેનિયામાં મુખ્ય વસતિ આર્મેનિયન ક્રિશ્ચિયન અને તુર્ક મુસ્લિમોની છે. આ લોકોની લાગણી આર્મેનિયા સાથે જ રહી હતી. એ બધા આર્મેનિયા સાથે જ રહેવા ઇચ્છતા હતા. અઝરબૈજાને કહ્યું કે, આ અમારો વિસ્તાર છે. તમે અમને આપી દો. આર્મેનિયા માનતું નહોતું. આ પછી યુદ્ધનો સિલસિલો શરૂ થયો હતો. 1980થી 1990 દરમિયાન ચાલેલા યુદ્ધમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા અને 10 લાખ લોકો બેઘર બન્યા હતા. સપ્ટેમ્બર, 2020માં બંને દેશ વચ્ચે નવેસરથી યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દોઢ વર્ષ ચાલ્યું હતું. એ વખતના યુદ્ધમાં 6500થી વધુ લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર, 2023માં યુદ્ધ બાદ આર્મેનિયાએ હાર સ્વીકારી લીધી હતી અને અઝરબૈજાને નાર્ગોનો કારાબાખ પર કબજો કરી લીધો હતો.
નાર્ગોનો કારાબાખ હાથમાંથી ગયા એ પછી આર્મેનિયાએ ત્યાંના લોકોને કહ્યું હતું કે, તમારા માટે અમારા દરવાજા ખુલ્લા છે, નાર્ગોનો કારાબાખમાંથી જે લોકોને આર્મેનિયા આવવું હોય એ આવી જાવ. લગભગ એક લાખ લોકો નાર્ગોનો કારાબાખ છોડીને આર્મેનિયા આવી ગયા હતા. હવે જ્યારે સમાધાન થવાનું છે ત્યારે નાર્ગોનો કારાબાખના લોકો આર્મેનિયાથી પાછા પોતાના વતનમાં જાય એવી શક્યતાઓ પેદા થઇ છે.
અઝરબૈજાને જ્યારે આર્મેનિયા પર હુમલો કર્યો ત્યારે તૂર્કીયે તેની પડખે રહ્યું હતું. પાકિસ્તાન પણ પહેલેથી અઝરબૈજાન સાથે જ રહ્યું છે. અઝરબૈજાન, તૂર્કીયે અને પાકિસ્તાન ત્રિપુટી તરીકે જ ઓળખાતું રહ્યું છે. ત્રણેય દેશ એક-બીજાને ભાઇ-ભાઇ જ કહે છે. પાકિસ્તાને આજની તારીખ સુધી આર્મેનિયાને માન્યતા પણ આપી નથી. તૂર્કીયેએ અઝરબૈજાનને હથિયારોની મદદ કરી હતી, એટલું જ નહીં તૂર્કીયે અને પાકિસ્તાને પોતાના આતંકવાદીઓને પણ અઝરબૈજાન વતી આર્મેનિયા સામે લડવા માટે મોકલ્યા હતા. રશિયાને આર્મેનિયાનું સમર્થન રહ્યું છે. રશિયા પોતે જ યુક્રેન સાથે લડાઇમાં જોતરાયેલું હોવાથી તે આર્મેનિયાને ખાસ કોઇ મદદ કરી શક્યું નહોતું.
અઝરબૈજાન અને આર્મેનિયા બંને ભારતીય પ્રવાસીઓના પ્રિય છે
ભારતીય પ્રવાસીઓ માટે અઝરબૈજાન અને આર્મેનિયા બંને દેશ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. બંને દેશ ખૂબ જ સુંદર છે. જોવા અને આરામ કરવા લાયક સ્થળો તો અહીં છે જ, એ ઉપરાંત બંને દેશ ઐતિહાસિક રીતે પણ ભારત સાથે જોડાયેલા રહ્યા છે. અઝરબૈજાનમાં હિન્દુ મંદિરો પણ આવેલા છે. અઝરબૈજાનને લેન્ડ ઓફ ફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. અઝરબૈજાનના બાકુ શહેરથી થોડે દૂર ડગ નામનો એક પહાડ આવેલો છે. પ્રાકૃતિક ગેસના કારણે આ પહાડ સતત સળગતો રહે છે. આ સ્થળે દુર્ગા માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ટેમ્પલ ઓફ ફાયર તરીકે ઓળખાય છે. અઝરબૈજાન જૂના ઓઇલ ઉત્પાદક દેશ તરીકે જાણીતો છે. અઝરબૈજાનમાં અનેક સ્થળે એવું પાણી મળે છે જે ચામડીના અનેક રોગો માટે અક્સીર ગણાય છે. સુંદરતામાં આર્મેનિયા પણ અઝરબૈજાનને ટક્કર મારે એવું છે. આર્મેનિયાના અસંખ્ય લેન્ડસ્કેપ અને દસ જેટલા પ્રાચીન ચર્ચ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ બંને દેશ વચ્ચેના સંઘર્ષના કારણે એવું કહેવાતું હતું કે, બંનેને કોઇની નજર લાગી ગઇ છે. હવે જ્યારે બંને દેશ દોસ્તી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બધાને હાશ થઇ રહી છે!
આપણા દેશને બંને સાથે સારા સંબંધ, જો કે આર્મેનિયા વધુ નજીક રહ્યું છે
આપણા ભારત દેશને આર્મેનિયા તથા અઝરબૈજાન બંને સાથે સારા સંબંધ છે. અલબત્ત, અઝરબૈજાનની સરખામણીમાં ભારતને આર્મેનિયા સાથે વધુ સારા સંબંધો રહ્યા છે. અઝરબૈજાન તુર્કીયે અને પાકિસ્તાનની વધુ નજીક છે. અઝરબૈજાનમાં 1300 ભારતીયો રહે છે. આર્મેનિયામાં તેની સરખામણીમાં બમણાંથી વધુ એટલે કે 3000 જેટલા ભારતીયો રહે છે. 1991માં આર્મેનિયા સોવિયત સંઘથી જુદું પડ્યું એ પછી આર્મેનિયાના રાષ્ટ્રપતિ ત્રણ વખત ભારતની મુલાકાતે આવી ગયા છે. છેલ્લે 2017માં આર્મેનિયાના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા. અઝરબૈજાન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતું આવ્યું છે. આ ઉપરાંત આપણા દેશને જેની સાથે બનતું નથી એ તૂર્કીયે સાથે પણ અઝરબૈજાનને ખૂબ જ સારા સંબંધો છે. આર્મેનિયાને આપણો દેશ હથિયારો વેચે છે. ભારતે છેલ્લે 2000 કરોડની હથિયાર ડીલ આર્મેનિયા સાથે કરી હતી. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ થયું ત્યારે આપણા દેશે કોઇનો પક્ષ લીધો નહોતો અને શાંતિપૂર્ણ સંવાદથી સમસ્યા ઉકેલવાની સલાહ આપી હતી. હવે એ બંને દેશ વચ્ચે સમાધાન થતા ભારત સાથેના સંબંધો વધુ સારા થવાની અપેક્ષા છે!