- શરાબ કૌભાંડમાં આખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. દસ દસ સમન્સ પછી પણ અરવિંદ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થયા નહોતા. જો એ સાચા હોય તો પછી તપાસથી કેમ ભાગતા હતા? દાળમાં પહેલેથી જ કંઇ કાળું દેખાતું હતું
- અરવિંદ કેજરીવાલની સરકારના અનેક મંત્રીઓ જેલમાં છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિની સામે લડવાની વાતો કરતા અરવિંદ કેજરીવાલ તેના જ સાથીદારોને છાવરતા રહ્યા છે. હજુ કેજરીવાલ રાજીનામું આપવાને બદલે જેલમાંથી સરકાર ચલાવવાની વાતો કરી રહ્યા છે!
જ્યારથી દિલ્હીની આપ સરકારનું શરાબ કૌભાંડ બહાર આવ્યું ત્યારથી એક વાત ચર્ચાતી હતી કે, વહેલો કે મોડો આ કૌભાંડનો રેલો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પગ સુધી પહોંચવાનો જ છે. ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે લડવાની વાતો કરીને રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલના હાથ આ કૌભાંડમાં ખરડાયેલા છે. ખુદ કેજરીવાલને પણ ખબર હતી કે, આપણે જેલની હવા ખાવાનો વારો આવવાનો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે તેમને એક પછી એક દસ સમન્સ મોકલ્યા હતા પણ કેજરીવાલે જવાબ દેવાની તસ્દી લીધી નહોતી. પહેલું સમન્સ મળ્યું ત્યારથી એવું કહેવાતું હતું કે, જો અરવિંદ કેજરીવાલે કંઇ ખોટું નથી કર્યું તો પછી એ ઇડી સામે હાજર થવાથી ડરે છે શા માટે? એ હાજર થતાં નહોતા એ જ એવું સાબિત કરતું હતું કે, દાળમાં કંઇક કાળું છે. ધરપકડથી બચવા માટે અરવિંદ કેજરીવાલે થાય એ તમામ ધમપછાડા કરી લીધા છે. છેલ્લે તો તેમણે અદાલતમાં એવું પણ કહ્યું કે, મારી ધરપકડ કરવામાં ન આવે તો હું જવાબ આપવા તૈયાર છું. કોર્ટે કહ્યું કે, એવું ન ચાલે. કાયદાને કાયદાનું કામ કરવા દો. ગયા વર્ષે ફેબ્રુઆરી, 2023માં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓનું લાંબુ લિસ્ટ છે. મનીષ સિસોદીયા ઉપરાંત સત્યેન્દ્ર જૈન, સંજયસિંહ, વિજય નાયર, સોમનાથ ભારતી, અમાનતુલ્લા ખાન, નરેશ યાદવ, અખિલેશ ત્રિવેદી, મહેન્દ્ર યાદવ, જગદીપસિંહ, સુરિન્દર સિંહ, મનોજકુમાર, દિનેશ મોહનિયા, શરદ ચૌહાણ, પ્રકાશ ચૌહાણ, ડો. બલવીરસિંહ અને અમિત રતન વગેરે લાંબા સમયથી જેલની હવા ખાઇ રહ્યા છે. અરવિંદ કેજરીવાલે બધાનો બચાવ કર્યો હતો. હવે એ પોતે પણ ઇડીના સંકજામાં છે.
આખું શરાબ કૌભાંડ લીકર માફિયાઓના ઇશારે કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પહેલેથી થતાં રહ્યા છે. આખરે આ શરાબ કૌભાંડ શું છે? અરવિંદ કેજરીવાલની સરકારે તારીખ 17મી નવેમ્બર, 2021ના રોજ નવી શરાબ નીતિ રજૂ કરી હતી. આ નવી લીકર પોલીસી પહેલા દિલ્હીમાં શરાબનું વેચાણ બે રીતે એટલે કે સરકારી અને ખાનગી ધોરણે થતું હતું. 60 ટકા દારૂની દુકાન સરકારી હતી અને 40 ટકા કારોબાર ખાનગી ધોરણે ચાલતો હતો. કેજરીવાલ સરકારે તેમાં ફેરફાર કરીને હન્ડ્રેડ પર્સન્ટ શરાબનો વેપાર ખાનગી રાહે કરવાનું નક્કી કરી નાખ્યું હતું. આખી પોલિસી શરાબ બિઝનેસ પર જેમનો કંટ્રોલ છે એના કહેવાથી જ ઘડવામાં આવી હતી. માત્ર ખાનગીકરણ જ કરવાનું નહોતું, દિલ્હીમાં દારૂનું વેચાણ વધે એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. નવી શરાબ નીતિમાં દિલ્હીને 32 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં દારૂની 27 દુકાનો ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બધી મળીને આખા દિલ્હીમાં 849 દુકાનો ખોલવામાં આવવાની હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવો દાવો કર્યો હતો કે, નવી શરાબ નીતિથી સરકારને 3500 કરોડનો ફાયદો થશે. એ વખતે પણ એવો સવાલ ઉઠ્યો હતો કે, તમને આનાથી કેટલો ફાયદો થયો છે? બીજી વાત, દારૂની દુકાનો એવી જગ્યાએ શરૂ થઇ જેનાથી ઉહાપોહ થયો. શાળા અને ધાર્મિક સ્થળો નજીક દારૂની દુકાનો શરૂ થતાં લોકોએ એવો સવાલ કર્યો હતો કે, આ બધું શું છે? આખરે તમે શું કરવા માંગો છો? દિલ્હીમાં દારૂ પીવાની ઉંમર 25 વર્ષની હતી. કેજરીવાલ સરકારે ઉંમરમાં ઘટાડો કરીને 25માંથી 21ની કરી નાખી હતી. આ બધી વાત સરવાળે તો એવું જ સાબિત કરતી હતી કે, કંઇક તો ગરબડ છે. જબરજસ્ત ઉહાપોહ થયા બાદ શરાબ કૌભાંડનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મનીષ સિસોદીયા સહિત 14 સામે ગુનો નોંધાયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.













