• રશિયામાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત એ બંને દેશ માટે નોંધપાત્ર ઘટના છે. બંને નેતાઓ મળે એ પહેલા જ બોર્ડર પર શાંતિ મુદ્દે સમજૂતી થઇ ગઇ હતી. આ બધું શું સૂચવે છે?

  • અમેરિકા ભારતનું દોસ્ત છે પણ ખાલિસ્તાની ગુરપતવંત પન્નુ સહિત અનેક મુદ્દે અમેરિકા આડું ચાલી રહ્યું છે. ભારતે રશિયા અને ચીનની નજીક જઇને અમેરિકાને ઇશારો કર્યો છે કે, દોસ્ત હોવ તો દોસ્તની જેમ રહો, વાયડાઇ ન કરો!

આંતરરાષ્ટ્રીય સંબંધો બહુ પેચીદા હોય છે. સમય બદલે એમ સંબંધમાં ચડાવ ઉતાર આવતા રહે છે. કશું જ કાયમી હોતું નથી, ન દોસ્તી, ન દુશ્મની! ભારત અને ચીન વચ્ચે જામી ગયેલો બરફ ઓગળી રહ્યો છે. આપણો દેશ તટસ્થ તો છે જ, સાથોસાથ કૂટનીતિમાં માહેર છે. ભારત અને અમેરિકા વચ્ચે સારી દોસ્તી છે. જો કે, અમેરિકા ઘણી વખત દોસ્તની જેમ વર્તતું નથી. અમેરિકાને સમયે સમયે યાદ અપાવવું પડે છે કે, અમારી અંગત બાબતોમાં માથું મારવાનું બંધ કરો. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ અમેરિકાની ધરતી પરથી ભારતમાં ઉધામા મચાવવાના પ્રયાસો કરતો રહે છે. આપણા દેશે અનેક વખત અમેરિકાને કહ્યું કે, પન્નુ સામે પગલાં લો. અમેરિકા કંઇ કરતું નથી. પન્નુની હત્યાના ષડયંત્રમાં અમેરિકા ભારતને જવાબદાર ઠેરવે છે. આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના અધિકારીઓ સામે અમેરિકાની અદાલતે વોરંટ ઇશ્યૂ કર્યું છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઇ હતી. કેનેડા એના માટે ભારત સામે આંગળી ચીંધે છે. નિજ્જરના મામલે પણ અમેરિકા કેનેડાની સાથે રહ્યું છે. ચીનની સામે ભારત અમેરિકાને સાથ આપતું રહે છે. ચીન સાથે બોર્ડર પર શાંતિ રાખવાની સમજૂતી અને હવે મોદી અને જિનપિંગની મુલાકાત એ અમેરિકાને ઇશારો છે કે, તમે જો સંબંધ જાળવવામાં ઊણા ઉતરશો તો અમને પણ તમને સીધા કરતા આવડે છે. બ્રિક્સની બેઠક દરમિયાન રશિયાના કઝાન શહેરમાં જે ગતિવિધિઓ થઇ એ અમેરિકાએ આંખો પહોળી કરીને જોઇ છે. અક્કલમંદ કો ઇશારા કાફી હૈ! ભારત જો દૂર ખસ્યું તો અમેરિકાને અઘરું પડવાનું છે.

ભારત અને ચીન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી તણાવપૂર્ણ સંબંધો છે. વર્ષ 2020ના મે મહિનામાં ચીને બોર્ડર પર સેનાનો જમાવડો કરવાનું શરૂ કર્યું હતું. એ પછી તારીખ 15મી જૂન, 2020ના રોજ લદાખની ગલવાન ખીણમાં બંને દેશની સેનાના જવાનો સામસામે આવી ગયા હતા. ભારત અને ચીન વચ્ચે ગોળી ન ચલાવવાની સમજૂતી છે. ગોળીઓ તો ચાલી નહોતી પણ હાજર સો હથિયારની જેમ ધોકાવાળી થઇ હતી. આ અથડામણમાં આપણા દેશના વીસ જવાનોએ શહીદી વહોરી હતી. ચીન ક્યારેય સાચા આંકડા આપતું નથી પણ ચીને આપણાથી બમણાં લગભગ 40થી વધુ જવાનો ગુમાવ્યા હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ભારતે ચીન સાથે એની ભાષામાં જ વાત કરવાનું શરૂ કરી દીધું હતું. ચીની એપ્લિકેશન પર પ્રતિબંધોથી માંડીને ઘણા આકરા નિર્ણયો ભારતે લીધા હતા. વેપાર ચાલુ રહ્યો પણ એમાં જે ગતિ અને ઉષ્મા હોવા જોઇએ એ નહોતા રહ્યા. ચીની કંપનીઓને અપાયેલા પ્રોજેક્ટો કાં તો રદ કરી દેવાયા હતા અને કાં તો અટકાવી દેવાયા હતા. આ દરમિયાન જ અમેરિકા અને ચીનના સંબંધો પણ વણસ્યા હતા. ચીન સામે ક્વાડ અને બીજા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારતે અમેરિકાની સાથે રહીને ચીનને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા હતા. ચીનના પગ નીચે રેલો આવ્યો અને તેની ભારત સાથે સંબંધો બગાડવાના પરિણામો ભોગવવા પડ્યા હતા.

ચીન આમ તો ઘણા સમયથી ભારત સાથે સંબંધો સુધારવા ઇચ્છતું હતું. આપણો દેશ ભાવ આપતો નહોતો. રશિયામાં મળનારી બ્રિક્સની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વન ટુ વન મળશે કે કેમ એના વિશે ઘણા સમયથી તર્કવિતર્કો થતા હતા. મોદી રશિયા જવા રવાના થાય એ પહેલા જ આપણા દેશે એવી જાહેરાત કરી કે, બોર્ડર પર શાંતિ જાળવવા અને સાથે મળીને પેટ્રોલિંગ કરવા માટે ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઇ છે. આવી વાત થઇ ત્યારથી નક્કી થઇ ગયું હતું કે, હવે મોદી અને જિનપિંગની મુલાકાત થશે. ચીન ભારત સાથે અનેક વખત આડું ચાલ્યું છે અને ચીન જરાયે ભરાસોપાત્ર નથી એ બધી વાત સાચી પણ ગમે તેમ તો યે ચીન આપણું પડોશી છે. બંને દેશોના હિતો એક-બીજા સાથે જોડાયેલા છે. બોર્ડર પર શાંતિ હોય અને વેપાર સંબંધો સારા હોય એ બંને દેશના હિતમાં છે. દુનિયાની અત્યારે જે સ્થિતિ છે એ જોતા મોદી અને જિનપિંગની મુલાકાત એ બહુ મોટી આતંરરાષ્ટ્રીય ઘટના છે.

પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન અને પછી શી જિનપિંગ સાથે મોદીની જે વાત થઇ એનાથી અમેરિકાને મરચાં લાગ્યા હશે. મોદીની માત્ર ચાર મહિનામાં રશિયાની બીજી મુલાકાત છે. ખુદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉપરાછાપરી રશિયા આવવું એ બંને દેશ કેટલા નજીક છે એનું ઉદાહરણ છે. પુટિને કહ્યું કે, મોદી સાથેના સંબંધો એવા છે કે દુભાષિયાની પણ જરૂર ન પડે. એનો સીધો અર્થ એવો થયો કે અમે બંને એક-બીજાના ઇશારાની ભાષા પણ સમજી જઇએ છીએ. વડાપ્રધાન મોદીએ વધુ એક વખત યુદ્ધ મુદ્દે સ્પષ્ટ વાત કરી કે, માત્ર શાંતિપૂર્ણ રીતે જ સમસ્યાઓના સમાધાનમાં ભારત માને છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધ પછી અમેરિકાએ રશિયા પર અસંખ્ય પ્રતિબંધો લાદ્યા છે. ભારતે અમેરિકાને ગણકાર્યા વગર રશિયા સાથે સંબંધો રાખ્યા છે અને એનો ફાયદો પણ ભારતને થયો છે. હવે ચીન અને ભારત વચ્ચેની દૂરી પણ ઘટી રહી છે.

અમેરિકા અત્યારે વિચિત્ર પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. રશિયા અને યૂક્રેન યુદ્ધમાં યૂક્રેનનો તો માત્ર ખભો છે, હથિયારો તો અમેરિકાના જ છે. યૂક્રેનને મદદ કરવામાં અમેરિકા સારું એવું ખુવાર થયું છે. રશિયા અને યૂક્રેનના મામલો પત્યો નહોતા ત્યાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધે અમેરિકાની હાલત વધુ કફોડી કરી નાખી છે. અમેરિકા ઇઝરાયેલને યુદ્ધ રોકવાનું કહી કહીને થાકી ગયું છે પણ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ કોઇની વાત માનતા નથી. અમેરિકાની નજીક રહેનારા મુસ્લિમ દેશો અમેરિકા પર પ્રેશર લાવી રહ્યા છે કે, ઇઝરાયેલને કહો કે યુદ્ધવિરામ કરે. ઇઝરાયેલ માનતું નથી એટલે મુસ્લિમ દેશો પણ અમેરિકાથી નારાજ થયા છે. હજુ ઇઝરાયેલ ઇરાન પર હુમલો કરે એવો ભય તોળાઇ રહ્યો છે. બે બે મોટા યુદ્ધના કારણે અમેરિકાનું અર્થતંત્ર ડામાડોળ થયું છે. અમેરિકાની જગત જમાદારી અત્યારે દાવ પર લાગી છે. આ દરમિયાનમાં તેર દિવસ પછી તારીખ પાંચમી નવેમ્બરના રોજ અમેરિકામાં નવા પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીમાં કમલા હેરિસનો ઘોડો આગળ હોવાનું કહેવાય છે. નવા પ્રેસિડેન્ટ 20મી જાન્યુઆરી, 2025ના રોજ ચાર્જ સંભાળવાના છે. ભારતે એ પહેલા જ અમેરિકાને પોતાની કૂટનીતિ દ્વારા કહી દીધું છે કે, ભારત સાથે કેવા સંબંધો રાખવા એ તમારે નક્કી કરવાનું છે. અમેરિકા વિરોધી લોબી તરફનો ઝુકાવ એ ભારતની જબરજસ્ત કૂટનીતિનું મોટું ઉદાહરણ છે. અમેરિકા જરાયે મૂરખ નથી, એને ભારતની ઇશારા બરાબર સમજાઇ ગયા હશે!

  • Follow us on: