ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. બોડેલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલકુવરબા હેમરાજસિંહ મહારાઉલ સહિત કુલ ચાર કાર્યકરોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
પતિને મદદગારી કરવી ભારે પડી
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ બળવો માનવામાં આવે છે. પૂર્વ પ્રમુખ શીતલકુવરબાના પતિ હેમરાજસિંહ મહારાઉલે પાણેજ તાલુકા પંચાયતની બેઠક પરથી ભાજપના અધિકૃત ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી છે. પક્ષ દ્વારા વારંવાર સમજાવવા છતાં હેમરાજસિંહ માન્યા નહોતા અને શીતલકુવરબા પણ પક્ષના ઉમેદવારને બદલે પોતાના પતિને મદદ કરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. પક્ષની શિસ્તનો ભંગ થતો હોવાનું જણાતા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરો નિર્ણય લેવાયો છે.













