કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે રવિવારના રોજ જિલ્લાની કુલ 422 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત, ૫ નગરપાલિકા અને ગાંધીધામ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
કુલ 1065 ઉમેદવારો મેદાનમાં
ચૂંટણી જંગની વાત કરીએ તો, કુલ 1065 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાગ્યનો નિર્ણય કચ્છના 15 લાખ 49 હજાર મતદારો કરશે. નોંધનીય છે કે, મતદાન પૂર્વે જ જિલ્લાની 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં 1866 મતદાન મથકો ઊભા કરાયા છે. ઈવીએમ (EVM) મશીનોનું ડિસ્પેચિંગ કાર્ય પણ પૂર્ણ કરી દેવાયું છે અને પોલિંગ સ્ટાફ પોતાના નિયત સ્થળે પહોંચી ગયો છે.
તંત્ર દ્વારા 14549 કર્મચારીઓ તૈનાત
સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા 14549 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 8954 પોલિંગ સ્ટાફ, 5361 પોલીસ જવાનો અને 234 ઝોનલ અધિકારીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં 518 સંવેદનશીલ અને 21 અતિસંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીડિયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી છે.
મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.
મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. ઉનાળાની પ્રખર ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મથક પર પીવાના પાણી, છાંયડો અને હેલ્થ ટીમો તૈનાત રાખવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. આવતીકાલે સાંજે આ ૧૦૬૫ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે.
આ પણ વાંચો--- Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!