સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મહાપર્વ યોજાવા જઈ રહ્યું છે. આ માટે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. હિંમતનગર પ્રાંત કચેરી ખાતેથી આજે 1300 થી વધુ મતદાન મથકો માટે 6,000 થી વધુ પોલિંગ સ્ટાફ અને 2000 થી વધુ પોલીસ જવાનોને ઈવીએમ (EVM) મશીનો અને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા છે.


ચૂંટણીનું ગણિત

સાબરકાંઠાની 34 જિલ્લા પંચાયત અને 3 નગરપાલિકાઓની કુલ 301 બેઠકો પર આ ચૂંટણી યોજાશે. જેમાં 838 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે 9 લાખથી વધુ મતદારો નક્કી કરશે. આદર્શ આચારસંહિતાના કડક પાલન સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હીટવેવ સામે રક્ષણ

હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે કાળઝાળ ગરમીની સંભાવના છે. મતદારોને ગરમીથી કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર મેડિકલ ટીમ અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. વધુમાં, કોઈપણ ઈમરજન્સી માટે 108 એમ્બ્યુલન્સ, મેડિકલ વાન અને નજીકના પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો---    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!



  • Follow us on: