સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે દારૂની લ્હાણી કરાવવાના પ્રયાસો પર પોલીસે પાણી ફેરવી દીધું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની શત્રુંડા તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંકિત પટેલ દ્વારા મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.


પોલીસની ગુપ્ત ઓપરેશન અને રેડ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેમદાવાદ પોલીસે બાતમી મળી હતી કે, ચૂંટણીના પ્રચારમાં મતદારોને વહેંચવા માટે દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે મહેમદાવાદના શત્રુંડા ગામથી અકલાચા ગામને જોડતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાઈક પર દારૂ લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને પોલીસે આંતર્યા હતા.

2.13 લાખનો મુદ્દામાલ કબ્જે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂ શત્રુંડા સીટના કોંગ્રેસ ઉમેદવાર અંકિતકુમાર વનરાજભાઈ પટેલ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની કિંમત રૂપિયા 83000 સહિત કુલ મુદ્દામાલ (મોબાઈલ, મોટરસાઈકલ સહિત) રૂ. 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે દારૂની હેરાફેરી કરનાર, આપનાર અને લેનાર સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી લીધી છે.




ઉમેદવારની શોધખોળ શરૂ

પોલીસ કાર્યવાહીની ગંધ આવી જતાં દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર અને કોંગ્રેસ ઉમેદવાર અંકિત પટેલ હાલમાં ફરાર થઈ ગયો છે. ચૂંટણી ટાણે જ ઉમેદવારનું નામ દારૂના કેસમાં ખુલતા રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ જાગી છે કે, લોકશાહીના પર્વમાં આવા ગેરકાયદેસર રસ્તાઓ અપનાવનારા ઉમેદવાર સામે ચૂંટણી પંચ શું પગલાં લેશે. હાલમાં પોલીસે ગુનો નોંધી ફરાર ઉમેદવારને ઝડપી લેવા માટે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: લોકશાહીના પર્વમાં ભાગ લેવા ચેતેશ્વર પૂજારાની અપીલ, કહ્યું-'લોકશાહીના પર્વને સફળ બનાવવા 100 ટકા મતદાન કરો'


  • Follow us on: