સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે કે અન્ય હેતુસર વહેંચવામાં આવતા રોકડા રૂપિયાના બંડલો અને કવરો ભરતા હોવાનો આ વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને ‘વિસાવદરનો હવાલાકાંડ’ નામ આપવામાં આવ્યું છે.


શું છે વાયરલ વીડિયોમાં?

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રોકડા રૂપિયાના બંડલો ટેબલ પર પડ્યા છે અને તેને અલગ-અલગ કવરોમાં ભરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડાવડ અને રતાંગ ગામોમાં પૈસા પહોંચી ગયા છે, જ્યારે કરકડી તેમજ બરડીયા ગામ માટેના થેલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. પક્ષમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા આંતરિક કલહ વચ્ચે એક નારાજ કાર્યકરે જ આ મોટું સ્ટિંગ ઓપરેશન કરી વીડિયો વાયરલ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક્શનમાં આવ્યા જૂનાગઢ એસપી

વીડિયો વાયરલ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે ગંભીરતા દાખવી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે LCB અને SOGની ટીમોને મેદાને ઉતારવામાં આવી છે.




રાજકીય ગરમાવો

ચૂંટણી ટાણે જ આ પ્રકારનો વીડિયો સામે આવતા રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. આ રૂપિયા કયા પક્ષના છે અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આંતરિક જૂથવાદને કારણે આ ભાંડો ફૂટ્યો છે, જેની સીધી અસર આગામી મતદાન પર પડી શકે છે. પોલીસ હવે આ વીડિયો ક્યાં શૂટ થયો અને તેમાં દેખાતી વ્યક્તિઓ કોણ છે તેની ટેકનિકલ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: લોકશાહીનું મહાપર્વ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતાધિકારનો ઉપયોગ કરશે


  • Follow us on: