મહેસાણામાં મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ લોહિયાળ ખેલ ખેલાયો છે. ચૂંટણીના પ્રચાર અને ગરમાવા વચ્ચે ભાજપના ઉમેદવારના ભાણિયાની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર મામલો?
ઘટનાની મળતી વિગતો અનુસાર, મહેસાણા ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણિયા મિતેન ચૌધરીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ રાજકીય અદાવત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે બંને પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી હતી, જે અંતે હિંસક અથડામણમાં પરિણમી હતી.
કોની સામે નોંધાઈ ફરિયાદ?
મિતેન ચૌધરીની હત્યાના મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના પરિવારજનોના નામ સામે આવ્યા છે. જેમાં ભરત ચૌધરી (વોર્ડ નં-4 ના કોંગ્રેસ ઉમેદવાર), ધવલ ચૌધરી (ભરત ચૌધરીનો પુત્ર), યશ ચૌધરી (ભરત ચૌધરીનો ભાણો) અને મયુર ચૌધરી (ભરત ચૌધરીનો ભત્રીજો)નો સમાવેશ થાય છે.
પોલીસ છાવણીમાં ફેરવાયું મહેસાણા
ચૂંટણી ટાણે જ બનેલી આ મર્ડરની ઘટનાને પગલે શહેરમાં તંગદિલી વ્યાપી ગઈ છે. એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. લોહિયાળ બનેલી આ ચૂંટણીને લઈને મતદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ હિંસા બાદ ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. હાલમાં મિતેન ચૌધરીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર પર હત્યાનો આરોપ લગતા ભાજપ ઉમેદવાર પ્રત્યે મતદાતાઓમાં સંવેદના જોવા મળી રહી છે. આવામાં ચૂંટણી પંચ શું પગલા લે છે, તે પણ એક સવાલ છે.
આ પણ વાંચો - Local Body Elections 2026: વિસાવદરમાં રોકડા રૂપિયાના બંડલોનો વીડિયો લીક, નારાજ કાર્યકરે કર્યું સ્ટિંગ ઓપરેશન