મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પેટાચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે જ શહેરમાં રહસ્યમય પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર-5ની પેટાચૂંટણી પૂર્વે ફુવારા ચોક સહિતના વિસ્તારોમાં અજાણ્યા શખ્સો દ્વારા વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.


દાદાગીરી અને અન્યાયનો અંત લાવવા હાકલ

લુણાવાડાના ફુવારા ચોક અને વોર્ડ નંબર-5ના વિવિધ વિસ્તારોમાં રાતોરાત લાગેલા આ પોસ્ટરોમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, "ખોટી લુખ્ખાગીરી અને દાદાગીરીનો અંત લાવો" તેમજ "અન્યાયનો અંત લાવો". આ પોસ્ટરોએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આડકતરી રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ કે જૂથ સામે નિશાન સાધવામાં આવ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

સરકારી મિલકતો પર પોસ્ટરો લગાવાયા

સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે આ પોસ્ટરો સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા છે. ફુવારા ચોક ખાતે નવનિર્મિત સ્ટેચ્યુ સહિત જાહેર દીવાલો પર આ લખાણવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. આચારસંહિતાના અમલ વચ્ચે સરકારી મિલકત પર આ રીતે પોસ્ટરો લગાવવા તે વહીવટી તંત્ર સામે પણ સવાલ ઊભા કરે છે.

CCTV ચેક કરવાની ઉઠી માંગ

મતદાનના આગલા દિવસે જ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે ફુવારા ચોક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસવામાં આવે, જેથી ખબર પડે કે રાત્રિના અંધકારમાં આ પોસ્ટરો લગાવનાર શખ્સો કોણ હતા. હાલ તો આ 'પોસ્ટર વોર' લુણાવાડાની પેટાચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


આ પણ વાંચો---    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

  • Follow us on: