ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં પકડાયેલા ચકચારી ડ્રગ્સ કૌભાંડમાં ભુજની અદાલતે આજે એક સીમાચિહ્નરૂપ ચૂકાદો આપ્યો છે. 18 ડિસેમ્બર 2021ના રોજ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પકડાયેલા 380 કરોડ રૂપિયાના હેરોઈન કેસમાં સંડોવાયેલા તમામ 6 પાકિસ્તાની આરોપીઓને અદાલતે દોષિત ઠેરવી 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એક ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે 'અલ હુસેની' નામની શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરવામાં આવી હતી. તલાશી લેતા બોટમાંથી 76 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 380 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.













