કચ્છના પાટનગર ભુજમાં ગત વર્ષે બનેલી ચકચારી સાક્ષી ખાનીયા હત્યા કેસમાં ભુજ કોર્ટે આજે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરા અને તેના સાગરીત જયેશ ઠાકોરને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં જ સાક્ષીને ન્યાય મળતા ન્યાયતંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
વર્ષ 2025માં ભુજની જાણીતી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી સાક્ષી ખાનીયાની કોલેજની બહાર જ ધોળે દિવસે છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હતી. મુખ્ય આરોપી મોહિત સિદ્ધપુરાએ સાક્ષીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું, અને સાક્ષીએ ના પાડતા ઉશ્કેરાયેલા મોહિતે જયેશ ઠાકોરની મદદથી આ કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો.













