દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસ દ્વારા કોંગ્રેસના બે સક્રિય કાર્યકરો સામે ચેપ્ટર કેસ નોંધી અટકાયતી પગલાં લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસ છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


પરિવારના સભ્યો સામે પોલીસ કાર્યવાહી

મળતી માહિતી મુજબ, જે કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે તેમાં જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારના ભાઈ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર પુત્રનો સમાવેશ થાય છે. ચૂંટણીના નિર્ણાયક સમયે જ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા કોંગ્રેસે તેને 'સત્તાનો દુરુપયોગ' ગણાવ્યો છે. કાર્યકરોનું કહેવું છે કે ચૂંટણીમાં ડરનું વાતાવરણ ઊભું કરવા અને પ્રચારમાં અવરોધ લાવવા માટે જ આ પગલાં લેવાયા છે.

પોલીસ મથકે ધરણાનો કાર્યક્રમ

આ અન્યાયી કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. અટકાયતના વિરોધમાં આજે સાંજે 4:00 વાગ્યે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ભાણવડ પોલીસ મથકે એકઠા થશે અને ધરણા પર બેસશે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો તટસ્થ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હાલ ભાણવડમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો---     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

  • Follow us on: