રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અચાનક અવસાન થયું છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા આ બેઠકની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સક્રિય અને મજબૂત મહિલા આગેવાન તરીકે જાણીતા હતા
લીનાબેન નિનામા વિસ્તારના એક સક્રિય અને મજબૂત મહિલા આગેવાન તરીકે જાણીતા હતા. તેઓ અગાઉ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે પણ પદભાર સંભાળી ચૂક્યા હતા. ભાજપના એક પાયાના અને નિષ્ઠાવાન કાર્યકર તરીકે તેમની ગણના થતી હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર વિજયનગર પંથક અને ભાજપ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.













