ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ જૂનાગઢના રાજકારણમાં ભારે ઉત્તેજના ફેલાવી દીધી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર આવેલા પરિણામોમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) બંનેને ફાળે 9-9 બેઠકો આવતા સત્તા મેળવવા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.
આપ દ્વારા ઉમેદવારોની 'ઘેરાબંધી':
પરિણામો બાદ પક્ષપલટાની આશંકાને જોતા આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. 'આપ'ના તમામ વિજેતા ઉમેદવારોને તાત્કાલિક એક અજ્ઞાત સ્થળે લઈ જઈને બેઠક યોજવામાં આવી હતી. પક્ષના નેતૃત્વએ દાવો કર્યો છે કે તેમના ઉમેદવારો કોઈપણ પ્રલોભનમાં આવ્યા વગર અકબંધ રહેશે. "ભ્રષ્ટાચાર મુક્ત શાસન" ના મંત્ર સાથે આપ હવે તાલુકા પંચાયત પર કબજો કરવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે.













