ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના બારા ગામના માડ ફળીયામાં વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી ગઈ છે. આઝાદીના દાયકાઓ બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત ગ્રામજનોએ આ વખતે નેતાઓ સામે બાંયો ચડાવી છે. ગામમાં "રોડ નહીં તો વોટ નહીં" ના બેનરો લગાવીને ચૂંટણીનો સજ્જડ બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી છે.


દર્દી માટે આજે પણ ઝોળીનો ઉપયોગ

ગ્રામજનોનો સૌથી મોટો રોષ ખખડધજ રસ્તાઓને લઈને છે. માડ ફળીયામાં રસ્તાની હાલત એટલી બદતર છે કે કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે આજે પણ ઝોળીમાં ઊંચકીને લઈ જવાની લાચારી ભોગવવી પડે છે. આટલું જ નહીં, સરકારની મહત્વાકાંક્ષી 'નળ સે જલ' યોજના પણ અહીં કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. પાયાની જરૂરિયાતો પૂરી ન થતા ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે અને ગામના પ્રવેશદ્વાર પર જ ભાજપના નેતાઓને પ્રવેશ ન કરવાના પોસ્ટરો લગાવી દીધા છે.

અંધભક્તોએ ગામમાં વોટ માંગવા આવવું નહીં

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, "અંધભક્તોએ ગામમાં વોટ માંગવા આવવું નહીં". સત્તાધારી પક્ષના નેતાઓનો બહિષ્કાર કરવાની જાહેરાત સાથે ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રસ્તા અને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી એક પણ મત આપવામાં આવશે નહીં. વિકાસના નામે વોટ માંગવા આવતા નેતાઓ સામે ગ્રામજનોનો આ મિજાજ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.


આ પણ વાંચો----    Aravalli : શિક્ષણના ધામમાં 'નશાખોર' ગુરુજી, મોડાસાની શાળામાં દારૂ ઢીંચીને આવેલા શિક્ષકનો વીડિયો વાયરલ

  • Follow us on: