ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વરધી ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગામની પ્રાથમિક શાળાના અધૂરા ભવનના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ એકસંપ થઈ ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, બપોરે 1 વાગ્યા સુધી મતદાન મથક પર એક પણ મત પડ્યો નથી.


4 વર્ષથી માત્ર ખાડા, બાળકોનું ભવિષ્ય જોખમમાં

વરધી ગામના લોકોનો આક્ષેપ છે કે, છેલ્લા 4 વર્ષથી ગામની પ્રાથમિક શાળાના નવા મકાનનું કામ અધૂરું લટકી રહ્યું છે. તંત્ર દ્વારા માત્ર પાયા ખોદીને કામ પડતું મૂકી દેવામાં આવ્યું છે. હાલમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માત્ર 3 ઓરડામાં ભણવા મજબૂર છે. ચોમાસામાં આ ઓરડાઓમાં પણ પાણી ટપકતું હોવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

તંત્રની સમજાવટ નિષ્ફળ

ચૂંટણી બહિષ્કારના સમાચાર મળતા જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ વરધી ગામે દોડી આવ્યા હતા અને ગ્રામજનોને મતદાન કરવા સમજાવ્યા હતા. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને હવે ઠાલા આશ્વાસન નહીં, પણ લેખિત બાહેધરી જોઈએ છે. ગ્રામજનો પોતાની માગ પર અડગ રહેતા તંત્રની સમજાવટ નિષ્ફળ રહી છે.

શિક્ષણ પ્રત્યે જાગૃતિ કે વ્યવસ્થા સામે આક્રોશ?

એક તરફ સરકાર 'ભણશે ગુજરાત' ના નારા આપે છે, ત્યારે બીજી તરફ વરધી ગામના લોકોએ શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે લોકશાહીના પર્વનો ત્યાગ કરવો પડ્યો છે. શિક્ષણ માટે આટલી હદે જાગૃત અને આક્રમક બનેલા ગ્રામજનો હવે ક્યારે મતદાન કરશે કે પછી આખું ગામ મતાધિકારથી વંચિત રહેશે, તે જોવું રહ્યું.


આ પણ વાંચો - Local Body Election 2026 : ઈડરમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ઘર્ષણ, પોલીસે એક વ્યક્તિની કરી અટકાયત


  • Follow us on: