સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉમેદવારો સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવતા હોય છે, પરંતુ મહેસાણામાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ભાજપના એક મહિલા ઉમેદવારે પાટીદાર મતદારોને રીઝવવા માટે પોતાની અસલ અટક 'પ્રજાપતિ' ના બદલે 'પટેલ' લખેલી સ્લીપો વહેંચી હોવાનો આક્ષેપ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ?
મહેસાણાના વોર્ડ નંબર 8 માં પાટીદાર મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ વોર્ડમાં ભાજપના પેનલના ઉમેદવાર મિતલબેન હર્ષદભાઈ પ્રજાપતિ ચૂંટણી લડી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા અને ઘરે-ઘરે વહેંચવામાં આવેલી પ્રચાર સ્લીપોમાં તેમનું નામ 'મિતલબેન હર્ષદભાઈ પટેલ' લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પાટીદારોના મતો પોતાની તરફ ખેંચવા માટે આ પ્રકારે અટક બદલીને મતદારોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર હોવાનો વિરોધ પક્ષો અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.













