સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મૂળી તાલુકાની સરા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર ખીમજીભાઈ સારદિયા મતદારોને અપશબ્દો બોલી દાદાગીરી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મતદારોને ધમકાવતા હોવાનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર ખીમજી સારદિયા મતદારો સાથે અભદ્ર ભાષામાં વાત કરતા અને તેમને ધમકાવતા હોવાનું દ્રશ્યમાન થાય છે. ચૂંટણી જીતવા માટે જનતાના આશીર્વાદ લેવાના બદલે ઉમેદવારની આ પ્રકારની દાદાગીરી સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે.













