• વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ
  • વેસ્ટ ઝોન 257, સેન્ટ્રલ ઝોન 128માં ઓલઆઉટ
  • ચિંતન ગજાએ ઐયર સામે સીધો થ્રો કરતા થઈ ઇજા

વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ મુકાબલો રમાઇ રહ્યો છે. મેચમાં વેસ્ટ ઝોને પ્રથમ દાવમાં 257 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સેન્ટ્રલ ઝોનની ટીમ પ્રથમ દાવમાં 128 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. સેન્ટ્રલ ઝોને 66 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા ક્રમે બેટિંગમાં આવેલા વેંકટેશ ઐયર પાસેથી મોટી ઇનિંગની આશા હતી પરંતુ તે છ રનના સ્કોરે દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. ચાલુ મેચમાં એમ્બ્યુલન્સને મેદાનમાં બોલાવવાની ફરજ પડી હતી અને વેંકટેશને રિટાયર્ડ હર્ટ થવું પડયું હતું. જોકે તે ફરીથી બેટિંગમાં આવ્યો હતો પરંતુ વધુ આઠ રન ઉમેર્યા બાદ આઉટ થઇ ગયો હતો.


ચિંતન ગજાએ વેંકટેશ સામે સીધો થ્રો કર્યો

વેસ્ટ ઝોન તરફથી પેસ બોલર ચિંતન ગજા બોલિંગ કરી રહ્યો હતો. ઐયરે સીધો શોટ રમ્યો હતો અને બોલ ચિંતનની પાસે ગયો હતો. તેણે રનઆઉટ કરવા માટે વેંકટેશ સામે સીધો થ્રો કર્યો હતો. ઐયર પોતાની જાતને બોલની લાઇનમાંથી દૂર કરે તે પહેલાં બોલ તેની ગરદનના ભાગમાં વાગ્યો હતો. તે પિચ ઉપર પડી ગયો હતો. મેચના અધિકારીઓએ એમ્બ્યુલન્સને મેદાનમાં બોલાવી હતી. ઐયર સ્ટ્રેચર ઉપર જવાના બદલે ચાલીને જ એમ્બ્યુલન્સમાં બેસી ગયો હતો. પ્રાથમિક મેડિકલ ટ્રિટમેન્ટ લીધા બાદ તે ફરીથી મેદાનમાં ઉતર્યો હતો.

  • Follow us on: