- IPL મિની ઓક્શનમાં 1166 ખેલાડીઓની હરાજી
- વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેન કોરી એન્ડરસન રહેશે અનસોલ્ડ
- કેદાર જાધવને નહીં મળે ખરીદદાર
આગામી 19મી ડિસેમ્બરે દુબઈમાં IPL 2024 માટે ઓક્શન યોજાવા જઇ રહ્યું છે. આ હરાજી માટે 1166 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. તેમાં ઘણા મોટા નામોની સાથે સાથે યુવા પ્રતિભા પણ છે. દર વખતે મિની ઓક્શનમાં ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવે છે, કારણ કે ફ્રેન્ચાઈઝી માત્ર અમુક જગ્યાઓ માટે જ ખેલાડીઓ ઈચ્છે છે. ઘણી વખત હરાજીમાં એવા સમીકરણો સર્જાય છે કે જો સ્ટાર ખેલાડીઓને કોઈ ખરીદતું નથી તો અજાણ્યા નામો પર પૈસા વેડફાય છે. આજે અમે તમને એવા 5 સ્ટાર ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે IPLની હરાજીમાં અનસોલ્ડ રહી શકે છે.
કોરી એન્ડરસન
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસનને એક સમયે વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવતા હતા. તેણે ODIમાં માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ તેમનો ચમત્કાર લાંબો સમય ટકી શક્યો નહીં. હવે તે અમેરિકામાં છે. એન્ડરસનની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા છે અને તે હરાજીમાં ભાગ્યે જ વેચાયો છે.
ક્રિસ જોર્ડન
ઈંગ્લેન્ડના ક્રિસ જોર્ડનને T20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે પરંતુ IPLમાં તેનો રેકોર્ડ નિરાશાજનક છે. IPLની 34 મેચોમાં તેણે લગભગ 10ની ઈકોનોમી પર રન આપ્યા છે. T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હોવા છતાં, જોર્ડન આ વર્ષે અનસોલ્ડ રહેશે તે નિશ્ચિત છે.
એન્જેલો મેથ્યુઝ
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. 36 વર્ષીય મેથ્યુઝને 2017 પછી IPLમાં રમવાની તક પણ મળી નથી.
સીન એબોટ
સીન એબોટ 2023 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. પરંતુ ટી20માં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. IPLની ત્રણ મેચમાં તેણે 54 બોલમાં 104 રન આપ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં તેની ઈકોનોમી 9 છે.
કેદાર જાધવ
કેદાર જાધવ થોડા વર્ષો પહેલા સુધી ભારતીય ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક હતો. પરંતુ તે પછી તેના પ્રદર્શનનો ગ્રાફ ઝડપથી નીચે ગયો. તેને 2022ની IPLમાં રમવાની તક પણ મળી ન હતી. તે 2023ની હરાજીમાં પણ વેચાયો ન હતો અને કોમેન્ટ્રી કરતો હતો. પરંતુ RCBએ ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ તેને તક આપી. જાધવને રિલીઝ કરવામાં આવ્યો છે અને તે ફરીથી IPLમાં રમતા જોવા મળે તેવી શક્યતા નથી.