ભારત સામે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા તૈયારી કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સામેની સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. જ્યાં 2 ટેસ્ટ મેચની સિરીઝ સિવાય 1 ODI મેચની સિરીઝ રમાશે. પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા વતી શ્રીલંકા પ્રવાસમાં ભાગ લેશે નહીં, જેનું મુખ્ય કારણ સામે આવ્યું છે.
કમિન્સ ભાગ લેશે નહીં
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની દૃષ્ટિએ ઓસ્ટ્રેલિયા માટે શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ પેટ કમિન્સ આ શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. પેટ કમિન્સ અને તેની પત્ની બેકી બોસ્ટન તેમના બીજા બાળકની તૈયારી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે આ બાબત પર ટિપ્પણી કરતા સંકેત આપ્યો હતો કે ટીમ કમિન્સના નિર્ણયનું સન્માન કરશે.
બીજા બાળકની તૈયારીમાં પેટ કમિન્સ
વર્ષ 2020માં પેટ કમિન્સે તેની ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે સગાઈ કરી. બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2022માં બન્નેએ લગ્ન કરી લીધા. બન્નેને એક પુત્ર પણ છે, જેનું નામ એલ્બી છે. થોડા મહિનાઓ પહેલા કમિન્સની પત્ની બોસ્ટને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને માહિતી આપી હતી કે એક નાના મહેમાન આવવાના છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે શિડ્યુલની જાહેરાત કરી
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 1 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી અને 1 મેચની વનડે શ્રેણીની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટ મેચ 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 6 થી 10 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. એકમાત્ર ODI મેચ 13 ફેબ્રુઆરીએ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે ટેસ્ટ બાદ વનડે સિરીઝ રાખવામાં આવી છે.