• હારિસ રાઉફે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની ના પાડી
  • પાકિસ્તાનના ખેલાડીને ચીફ સિલેક્ટરે આપી ચેતવણી
  • જો ટીમને પ્રાથમિકતા નહી આપે તો સાઈડલાઈન થશે

પાકિસ્તાન તેની હરકતોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ટીમના મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝે કહ્યું છે કે જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય ટીમને મહત્વ નહીં આપે તો તેને સાઇડલાઈન કરી શકાય છે.

પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર હારિસ રઉફને રાષ્ટ્રીય ટીમના ચીફ સિલેક્ટર વહાબ રિયાઝ તરફથી કડક ચેતવણી મળી છે. આ ચેતવણી તેને ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચવાને લઈને આપવામાં આવી છે. રઉફે તેની ફિટનેસ અને વર્ક લોડને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી. તેના પર વહાબ રિયાઝે કહ્યું છે કે તે ગમે તેટલો મોટો ખેલાડી હોય, જો તે રાષ્ટ્રીય ટીમને પ્રાથમિકતા નહીં આપે તો તે અમારી ભવિષ્યની યોજનાનો ભાગ નહીં બને.

વર્કલોડ અને ફિટનેસને લઈને ચિંતિત રાઉફ

વહાબ રિયાઝે કહ્યું, 'બે દિવસ પહેલા હારિસે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઉપલબ્ધ છે, હવે ગઈકાલે રાત્રે તેણે કહ્યું કે તે ફિટનેસ અને વર્ક લોડને લઈને ચિંતિત છે અને તે ઉપલબ્ધ નથી. હાફિઝ અને મેં તેની સાથે લાંબી વાતચીત કરી અને તેને કહ્યું કે કોચ અને કેપ્ટન ઈચ્છે છે કે તમે ઓસ્ટ્રેલિયામાં રમો. અમે તેને આશ્વાસન પણ આપ્યું હતું કે તેને એક દિવસમાં 10 થી 12 ઓવરથી વધુ બોલિંગ કરાવવામાં આવશે નહીં.

'પછી ભલે ગમે તેટલો મોટો ખેલાડી હોય'

વહાબે કહ્યું, 'અમે ટીમના ફિઝિયો અને ટ્રેનર સાથે પણ હારિસ વિશે વાત કરી અને તેઓએ કહ્યું કે હરિસને ફિટનેસની કોઈ સમસ્યા નથી અને તેને ઓસ્ટ્રેલિયામાં કોઈ સમસ્યા નહીં હોય. અમને લાગે છે કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ ખેલાડી હોવાને કારણે તેણે પાછળ હટવું ન જોઈએ. અમને લાગે છે કે ઈજાના કારણે નસીમ, હસનૈન અને એહસાનુલ્લાહની ગેરહાજરીમાં રઉફે બલિદાન આપવું જોઈએ અને પાકિસ્તાન માટે રમવું જોઈએ.

આ પછી રિયાઝે આખરે કહ્યું, 'ખેલાડી કોઈ પણ હોય અને તે ગમે તેટલો મોટો કેમ ન હોય, જો તે પાકિસ્તાનની ટીમને પ્રાથમિકતા નહીં આપી રહ્યો હોય તો ભવિષ્યની અમારી યોજનામાં તેનો સમાવેશ નહીં થાય.'

પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ

પાકિસ્તાનની ટીમ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ માટે રવાના થશે. વહાબ રિયાઝે આ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે બાબર આઝમના કેપ્ટન પદ છોડ્યા બાદ પાકિસ્તાન ટીમની કેપ્ટન શાન મસૂદના હાથમાં રહેશે.

  • Follow us on: