• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ
  • ભારતના નામે શર્મનાક રેકોર્ડ દાખલ
  • 40 વર્ષ બાદ ભારતીય ઓપનર શૂન્ય પર આઉટ

વનડે વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચમાં જ ભારતીય ટીમના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ચેન્નાઈના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી મેચમાં બંને ભારતીય ઓપનર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ભારતીય ઓપનરોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. વર્લ્ડકપમાં 40 વર્ષ પછી આવું બન્યું છે જ્યારે ભારતના બંને ઓપનિંગ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા છે. આ પહેલા 1983ના વર્લ્ડકપમાં આવું બન્યું હતું.

પ્રથમ ઓવરમાં ઈશાન બીજી ઓવરમાં રોહિત આઉટ

આજની મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈશાન કિશન ભારત માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. ઈશાન કિશન ઈનિંગની પહેલી જ ઓવરમાં મિશેલ સ્ટાર્કની બોલ પર આઉટ થયો હતો. સ્લિપમાં ઉભેલા કેમેરોન ગ્રીને ઈશાનનો કેચ કર્યો હતો. જે બાદ ઈનિંગની બીજી ઓવરમાં રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. હેઝલવુડે ઓવરના ત્રીજા બોલ પર ભારતીય કેપ્ટનને LBW આઉટ કર્યો હતો.

1983માં ઓપનર શૂન્ય પર આઉટ થયા હતા

આ પહેલાં 1983ના વર્લ્ડકપમાં ભારતીય ઓપનર ઝિમ્બાબ્વે સામેની મેચમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારત તરફથી સુનીલ ગાવસ્કર અને ક્રિસ શ્રીકાંત ઓપનિંગ કરવા આવ્યા હતા. ગાવસ્કર બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા અને શ્રીકાંત 13માં બોલ પર શૂન્યના સ્કોર સાથે પેવેલિયન પરત ફર્યા હતા.

પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનું ખરાબ પ્રદર્શન

મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે સ્ટિવ સ્મિથે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

  • Follow us on: