• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં વર્લ્ડકપની મેચ
  • ચેન્નઈના ક્રિકેટ ફેન્સે કોહલી પર વરસાવ્યો પ્રેમ
  • કોહલીએ રિએક્શન આપીને દિલ જીત્યું

ટીમ ઈન્ડિયા ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે વનડે વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ રમી રહી છે. આ મેચ દરમિયાન ચેન્નાઈના ફેન્સ સ્ટેડિયમના સ્ટેન્ડ પરથી ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. મેચની શરૂઆતમાં જ વિરાટ કોહલીએ સ્લિપમાં શાનદાર કેચ કર્યો હતો. કોહલીના આ કેચે ભારતીય ફેન્સમાં આનંદનો માહોલ સર્જી દીધો હતો.

કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

હવે ફેન્સનો કોહલી પર પ્રેમ વરસાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઈન પાસે ફિલ્ડિંગ માટે આવી રહ્યો છે. કોહલીને નજીક આવતો જોઈને સ્ટેન્ડમાં હાજર ફેન્સ હાથ હલાવીને બૂમો પાડવા લાગ્યા હતા. ફેન્સના આ પ્રેમને વિરાટ કોહલી ઝીલી રહ્યો છે.


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી

મેચની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલિંગના મામલામાં ભારતીય ટીમ માટે આ ખૂબ જ સારી શરૂઆત હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રીજી ઓવરમાં જ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને આર અશ્વિનની સ્પિન ત્રિપુટીએ ભારતના ખાતામાં વધુ વિકેટો ઉમેરી હતી.

વર્લ્ડકપમાં કોહલીએ ભારત માટે કર્યા સૌથી વધુ કેચ

આ મેચના માધ્યમથી વિરાટ કોહલી વનડે વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ કેચ કરનારો ફિલ્ડર બન્યો છે. આ મેચમાં કોહલીએ વનડે વર્લ્ડકપના 15 કેચ પૂર્ણ કર્યા છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ વિરાટ કોહલીએ કેચ કરીને લીધી હતી. કોહલીએ બુમરાહના બોલ પર કેચ કર્યો હતો. આ મામલે કોહલીએ પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો છે. અનિલ કુંબલેએ વનડે વર્લ્ડકપમાં 14 કેચ કર્યા હતા. જે બાદ કપિલ દેવ અને સચિન તેંડુલકર 12-12 કેચ આ યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાને છે.

  • Follow us on: