• ડેવિડ વોર્નરે ભારત વિરુદ્ધ મેચમાં બનાવ્યો ખાસ રેકોર્ડ
  • સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
  • વોર્નરે સૌથી ઓછી ઈનિંગમાં 1 હજાર રન પૂર્ણ કર્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ડેવિડ વોર્નર વર્લ્ડકપમાં 1 હજાર રન પૂર્ણ કરનારો ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત વોર્નરે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. વર્લ્ડકપમાં સૌથી ઝડપી હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, પરંતુ હવે આ રેકોર્ડ ડેવિડ વોર્નરે પોતાના નામે કરી લીધો છે.

વોર્નરે તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

ડેવિડ વોર્નરે વર્લ્ડકપની 19 ઈનિંગમાં હજાર રનના આંકડાને પાર કર્યો છે. સચિન તેંડુલકરે વર્લ્ડકપની 20 ઈનિંગમાં આ કારનામું કર્યું હતું. સચિન તેંડુલકર ઉપરાંત એ.બી ડિવિલિયર્સે પણ વર્લ્ડકપની 20 ઈનિંગમાં 1 હજાર રન પૂર્ણ કર્યા હતા, જ્યારે વિવિયન રિચર્ડ્સ અને સૌરવ ગાંગુલીએ 21-21 ઈનિંગમાં 1 હજાર રન બનાવ્યા હતા.

આ ઓસ્ટ્રેલિયાન બેટ્સમેનોએ વર્લ્ડકપમાં બનાવ્યા 1 હજાર રન

આ પ્રકારે ડેવિડ વોર્નર વર્લ્ડકપમાં હજાર રન બનાવનાર ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. આ પહેલા માર્ક વો, રિકી પોન્ટિંગ અને એડમ ગિલક્રિસ્ટે વર્લ્ડકપમાં હજાર રનના આંકડાને પાર કર્યો છે. જો કે, વિશ્વની મેચોમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે વર્લ્ડકપમાં 2 હજાર 278 રન છે.

  • Follow us on: