• સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણેની જોરદાર વાપસી
  • રણજી ટ્રોફી રાઉન્ડ-2માં હૈદરાબાદ સામે દમદાર બેવડી સદી ફટકારી
  • 26 ચોગ્ગા-ત્રણ છગ્ગાની મદદથી 253 બોલમાં 204 રન બનાવ્યા

ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહેલા સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફી 2022ની રાઉન્ડ-2 મેચમાં હૈદરાબાદ સામે દમદાર બેવડી સદી ફટકારી ભારતીય ટીમમાં ફરી સ્થાન મેળવવા દાવેદારી નોંધાવી છે.

રહાણેની શાનદાર ડબલ સેન્ચુરી

અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં વાપસીની આશા જીવંત રાખી છે. ગુરુવારે રહાણે હૈદરાબાદ સામેની રાઉન્ડ-2 મેચમાં 204 રન બનાવીને આઉટ થયો હતો. રહાણેએ પોતાની મેરેથોન ઇનિંગ્સમાં 261 બોલ રમ્યા હતા જ્યારે બેવડી સદી 253 બોલમાં ફટકારી હતી. આ દરમિયાન જમણા હાથના બેટ્સમેને 26 ચોગ્ગા અને 3 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેના ગઈકાલના 139 રનના સ્કોરથી આગળ રમતા આજે બીજા દિવસે રહાણેએ દરેક બોલરને આડે હાથ લીધા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલ (162) અને સરફરાઝ ખાન (126*)ની સદીની મદદથી મુંબઈએ 651/6ના વિશાળ સ્કોર પર પોતાનો પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.


અજિંક્ય ટીમની બહાર ચાલી રહ્યો છે

મુંબઈની ઈનિંગ્સની 111મી ઓવરમાં તનય થિયાગરાજની બોલ પર રહાણે આઉટ થયો હતો. મુંબઈનો સુકાની આ વર્ષની શરૂઆતમાં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસથી ટીમની બહાર છે. રહાણે છેલા કેટલાય સમયથી માત્ર ટેસ્ટ ક્રિકેટ રમે છે, જો તે ભારતીય રેડ બોલ ટીમમાં પુનરાગમન કરવા માંગે છે, તો તેણે આખી રણજી ટ્રોફી સિઝનમાં કમાલ પ્રદર્શન કરવું પડશે. ઇન્ટરનેશનલ રેકોર્ડની વાત કરીએ તો અજિંક્યએ અત્યાર સુધી 82 ટેસ્ટમાં 12 સદી અને 25 અડધી સદીની મદદથી 38.52ની એવરેજથી 4,931 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલની સદી

યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા 195 બોલમાં 162 રનની ઇનિંગ રમી હતી. BKC મેદાન પર હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પૃથ્વી શો (19)ને શરૂઆતમાં પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ યશસ્વીએ સૂર્યકુમાર સાથે બીજી વિકેટ માટે 153 રન અને રહાણે સાથે ત્રીજી વિકેટ માટે બેવડી સદીની ભાગીદારી કરીને મુંબઈને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.


સૂર્યકુમાર યાદવ પણ રમી રહ્યો છે

સૂર્યકુમાર યાદવે લગભગ ત્રણ વર્ષમાં તેની પ્રથમ રણજી ટ્રોફી મેચ રમીને તેણે 80 બોલમાં 90 રનની ઇનિંગ રમી હતી. છેલ્લા 12 મહિનામાં મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારતના શ્રેષ્ઠ બેટ્સમેન સૂર્યકુમારે રેડ બોલ ક્રિકેટમાં તે જ આક્રમકતા દર્શાવી છે જેના માટે તે ટૂંકા ફોર્મેટમાં જાણીતો છે. તેણે પોતાની ઇનિંગમાં એક છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ફેબ્રુઆરી 2020માં છેલ્લી વખત ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર સૂર્યકુમારે ઘણી વખત ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  • Follow us on: