- ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
- ઇંગ્લિશ ટીમે એકતરફી શ્રેણી 3-0થી પોતાના નામે કરી
- ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાને 0-3થી શ્રેણી ગુમાવી
ઈંગ્લેન્ડે કરાચી ટેસ્ટમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું અને ટેસ્ટ શ્રેણી 3-0થી એકતરફી જીતી લીધી હતી. આ જીત સાથે, પાકિસ્તાનને ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ વખત ઘરઆંગણે તેની સૌથી મોટી શ્રેણીની હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા પાકિસ્તાન ક્યારેય 0-3થી સિરીઝ હાર્યું નથી.
ઇંગ્લિશ ટીમે રચ્યો ઈતિહાસ
બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમે ત્રીજી ટેસ્ટમાં 8 વિકેટથી ધમાકેદાર જીત નોંધાવતા પાકિસ્તાનને પછાડ્યું હતું. ઇંગ્લિશ ટીમે 17 વર્ષ પછી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો અને ટેસ્ટ શ્રેણીમાં શાનદાર જીત મેળવી હતી. પ્રથમ ટેસ્ટ 74 રને, બીજી ટેસ્ટમાં 26 રને જીત્યા બાદ હવે ઈંગ્લેન્ડે ત્રીજી મેચ 8 વિકેટે જીતીને શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. પાકિસ્તાન તેની હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી 0-3થી હારી ગયું છે. તેને આજ સુધી આવી શરમજનક હાર મળી નથી. એકંદરે, આ તેની ઘરઆંગણે સતત ચોથી ટેસ્ટ હાર છે.

રેહાન અહેમદનો કમાલ
કરાંચી ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડ મેદાન પર ઉતર્યું ત્યારે તેને જીતવા માટે 55 રનની જરૂર હતી. કેપ્ટન બેન સ્ટોક્સ અને ડકેટે ધમાકેદાર બેટિંગ કરતા ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. અગાઉ ત્રીજા દિવસે, લેગ-સ્પિનર રેહાન અહેમદ ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ ઝડપનાર સૌથી યુવા બોલર બન્યો હતો.
હેરી બ્રૂકની સતત ત્રીજી સદી
સ્ટમ્પ સમયે બેન ડકેટ (50) સાથે કેપ્ટન બેન સ્ટોક્સ (10) ક્રિઝ પર હાજર હતો. જેક ક્રાઉલી 41 જ્યારે રેહાન અહેમદ 10 રન બનાવીને આઉટ થયો હતો. અબરાર અહેમદે બંને વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરતા ક્રાઉલી અને ડકેટે 69 બોલમાં 87 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનના બોલરોને દબાણમાં મુક્યા હતા. પાકિસ્તાનનો પ્રથમ દાવ 304 રનમાં સમેટાઈ ગયા બાદ હેરી બ્રૂકની સતત ત્રીજી સદીની મદદથી ઈંગ્લેન્ડે 354 રન બનાવીને 50 રનની લીડ મેળવી હતી.

બાબરના વર્ષ 2022માં 1000 રન પૂર્ણ
પાકિસ્તાને તેની છેલ્લી સાત વિકેટ 52 રનમાં ગુમાવી દીધી હતી. આ દરમિયાન રેહાન અહેમદે પોતાની ગુગલી અને લેગ સ્પિનથી બેટ્સમેનોને ખૂબ નચાવ્યા હતા. રેહાન અહેમદે બાબર આઝમ (54) અને સઈદ શકીલ (53)ની વિકેટ પણ લીધી હતી. તેણે કેપ્ટન બાબરને પેવેલિયન મોકલીને બંને વચ્ચે ચોથી વિકેટ માટે 110 રનની ભાગીદારી તોડી હતી. આ દરમિયાન બાબર વર્ષ 2022માં 1000 રન પૂરા કરનાર ચોથો ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો. તેની અડધી સદી પૂરી કર્યા પછી, તે રેહાન અહેમદના બોલ પર આક્રમક શોટ રમવાના પ્રયાસમાં મિડ-વિકેટ પાસે ઓલી પોપના હાથે કેચ આઉટ થયો હતો.