• બાબર આઝમ અજબ-ગજબની કપ્તાની કરી રહ્યો છે
  • રાત્રિભોજન માટે બહાર જતા સિક્યોરિટી ગાર્ડે રોકતા કરી લડાઈ
  • ઈંગ્લેન્ડ સામેની મેચમાં ફિલ્ડિંગ કરવા પણ ન ઉતર્યો

પાકિસ્તાન ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે છે. આનું તાજેતરનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે નિયમો વિરુદ્ધ હોટલની બહાર ડિનર માટે જઈ રહેલા બાબર આઝમને સિક્યુરિટીએ અટકાવ્યો હતો, જે બાદ તે બીજા દિવસે મેદાનમાં ઉતર્યો જ નહીં.

બાબર આઝમનો અજબ-ગજબ વિરોધ

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ કલાક દરમિયાન મેદાનમાં ઉતર્યો ન હતો. તે કદાચ ખેલાડીઓ અને તેમના પરિવારોને કડક સુરક્ષા નિયમોમાંથી મુક્તિ ન મળવા સામે વિરોધ કરી રહ્યો હતો. બાબરને શનિવારે રાત્રે અન્ય સાથી ખેલાડીઓ અને તેમના પરિવારો સાથે ટીમ હોટલમાં રાત્રિભોજન માટે બહાર જતા અટકાવવામાં આવતા તે ગુસ્સે થયો હોવાનું કહેવાય છે. બાબરે સરફરાઝ અહેમદ, અઝહર અલી, શાન મસૂદ અને ઇમામ-ઉલ-હક અને તેમના પરિવારજનો સાથે સ્થાનિક રેસ્ટોરન્ટમાં જવાનું આયોજન કર્યું હતું.


બાબર સુરક્ષા વ્યવસ્થાથી નાખુશ

જો કે, જ્યારે બાબર તેના હોટલના રૂમમાંથી નીચે આવ્યો, ત્યારે સુરક્ષા કર્મચારીઓએ તેને બહાર જતા અટકાવ્યો અને કહ્યું કે તેણે અને અન્ય ખેલાડીઓએ બહાર જવા માટે પૂર્વ મંજૂરી લેવી પડશે કારણ કે બંને ટીમોને શ્રેણી માટે રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. કેપ્ટન બાબર સુરક્ષા વ્યવસ્થાથી નાખુશ હતો અને એક વરિષ્ઠ અધિકારી સાથે ઉગ્ર દલીલબાજી બાદ ગુસ્સામાં તે પોતાના રૂમમાં પાછો ગયો.

PCB મૌન રહ્યું

રવિવારે તે એક કલાક સુધી ટીમનું નેતૃત્વ કરવા આવ્યો ન હતો અને સુરક્ષા કર્મચારીઓના વર્તનનો વિરોધ કરવા માટે ડ્રેસિંગ રૂમમાં રહ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મુદ્દે ચુપકીદી સેવી હતી પરંતુ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે માથાના દુખાવાના કારણે બાબર પ્રથમ કલાક સુધી મેદાનમાં ઉતર્યો નહીં.

રેહાન અહેમદનો કમાલ, હારની નજીક પાકિસ્તાન

લેગ સ્પિનર ​​રેહાન અહેમદ ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ લેનારો સૌથી યુવા બોલર બન્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષમાં પોતાના પ્રથમ ટેસ્ટ પ્રવાસ પર પાકિસ્તાન સામે ત્રણ મેચોની શ્રેણી 3-0થી જીતવાથી 55 રન જ દૂર છે. માત્ર 18 વર્ષીય રેહાને મેચના ત્રીજા દિવસે બીજા દાવમાં 48 રનમાં પાંચ વિકેટ લીધી હતી, જ્યારે અનુભવી સ્પિનર ​​જેક લીચે ત્રણ સફળતા મેળવી હતી. જેના કારણે પાકિસ્તાનનો બીજો દાવ 216 રનમાં સમેટાઈ ગયો હતો.


જીતવા માટે માત્ર 55 રનની જરૂર છે

ઈંગ્લેન્ડને 167 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ટીમે સ્ટમ્પ સુધી બે વિકેટે 112 રન બનાવી લીધા હતા. બેન ડકેટ 50* (38 બોલ) અને કેપ્ટન બેન સ્ટોક્સ 10* રન બનાવીને ક્રિઝ પર છે. જેક ક્રાઉલીએ 41 બોલમાં 41 રન બનાવ્યા હતા. રેહાન અહેમદ 10 રન બનાવીને આઉટ થયો હતો. અબરાર અહેમદે બંને વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ ઈંગ્લેન્ડ ટીમના ક્રાઉલી અને ડકેટે 69 બોલમાં 87 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનના બોલરોને દબાણમાં મૂકી દીધા હતા. 

  • Follow us on: