• ભારત અને પાકિસ્તાન ક્યારેય ફાઇનલમાં આમને-સામને થયું નથી
  • 15 દિવસમાં જ ફાઇનલ સહિત ત્રણ વખત એકબીજા સામે ટકરાઈ શકે
  • ભારતે પાકિસ્તાનને 2016માં એક વખત, 2018માં બે વખત હરાવ્યું હતું

સુકાની રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ રવિવારે પોતાની પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં ગ્રૂપ-એની લીગ મેચ માટે મેદાનમાં ઊતરશે ત્યારે તે 10 મહિના જૂના હિસાબને સરભર કરવાનો લક્ષ્યાંક રાખશે. ભારતીય ટીમને 10 મહિના પહેલાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ પાકિસ્તાને ICC T20 વર્લ્ડકપમાં 10 વિકેટે પરાજય આપ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ વખતે હિસાબ સરભર કરવા માટેની કોઈ કસર બાકી રાખશે નહીં.

રોહિત-કોહલી પર રહેશે નજર

રોહિત પોતાની વધારાની આક્રમક બેટિંગ દ્વારા પાકિસ્તાન સામે નવો ઇતિહાસ રચવા માટેનો પ્રયાસ કરશે. બીજી તરફ કપરા સમયમાંથી બહાર આવીને કોહલી મોટી ઇનિંગ રમવાનો ટાર્ગેટ રાખશે. આ મુકાબલો સાંજે 7:30 કલાકથી શરૂ થશે. બન્ને ટીમો ચાલુ વર્ષના અંત ભાગમાં ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારા T20 વર્લ્ડ કપ માટે પણ પોતાની ટીમને અંતિમ સ્વરૂપ આપવાની રણનીતિ અપનાવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 10 વર્ષથી કોઈ દ્વિપક્ષીય શ્રોણી રમાઈ નથી.


પાકિસ્તાનને મોટો ફટકો

પેસ બોલર શાહિન શાહ આફ્રિદી ઈજાગ્રસ્ત થયો હોવાથી પાકિસ્તાનને મોટો ફટકો પડયો છે. ભારત સામેની મેચમાં પાકિસ્તાનને તેની મોટી ખોટ પડશે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં રમેલા ટોચના ક્રમના મોટા ભાગના ખેલાડીઓ વર્તમાન ભારતીય ટીમમાં છે. રોહિત શર્મા અને રિષભ પંતની જોડીએ આક્રમક બેટિંગ દ્વારા ઘણી આશા ઊભી કરી છે. સૂર્યકુમાર યાદવ મેદાનમાં ચોમેર શોટ્સ રમવાની ક્ષમતા ધરાવે છે. લોકેશ રાહુલ ટીમમાં પાછો ફર્યો હોવાના કારણે તે રોહિત સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરશે.

પંત અને કાર્તિકમાંથી કોને તક મળશે?

ભારતના ટોચના બેટ્સમેનોનો બેટિંગ ક્રમ નક્કી થઈ ચૂક્યો છે અને મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર અને હાર્દિક પંડયા નિિૃત છે. પાંચમા કે છઠ્ઠા ક્રમ માટે દિનેશ કાર્તિક અથવા રિષભ પંત બન્નેમાંથી કોઈ એકને બહાર બેસવું પડે તેમ છે. છેલ્લા કેટલાક સમયથી કાર્તિક મેચફિનિશરની ભૂમિકા અદા કરી રહ્યો છે તેથી મેનેજમેન્ટ તેને તક આપી શકે તેમ છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને અવેશ ખાન નવો બોલ સંભાળશે.


બાબર-રીઝવાન પાકિસ્તાનના મુખ્ય બેટ્સમેન

સુકાની બાબર આઝમ અને મોહમ્મદ રીઝવાન પાકિસ્તાનના મુખ્ય બેટ્સમેનો છે. બન્ને ગેમપ્લાન મુજબ બેટિંગ કરીને ભારતીય બોલર્સને પરેશાન કરી શકે છે. ત્રીજા ક્રમે ફખર ઝમાન પાસે મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. જોકે પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપના અન્ય બેટ્સમેનોમાં સાતત્યતાનો અભાવ છે. આસિફ અલી, ખુશદિલ શાહ અને હૈદર અલી સારા પ્લેયર્સ છે.

ભારતને જસપ્રીત બુમરાહની ખોટ પડશે

પીઠની ઈજાને કારણે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટીમ બહાર થયો છે. ઉપરાંત ટી20 નિષ્ણાત હર્ષલ પટેલ પણ પાંસળીની ઈજાના કારણે ટીમમાં નથી. અનુભવી બોલર ભુવનેશ્વરને ડેથ ઓવર્સમાં યુવા બોલર અર્શદીપનો સાથ મળશે.

  • Follow us on: