- અનુભવના મામલે પાકિસ્તાન સામે ભારતનું પલડું ભારે
- 15માંથી 11 ખેલાડી પાકિસ્તાનન સામે રમી ચૂક્યા છે
- છેલ્લી આઠ મેચમાં છ વખત રનચેઝ કરીને પાકિસ્તાનને હરાવ્યું
એશિયા કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તમામ સમર્થકોની નજર રવિવારે એશિયન ઉપખંડના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલા ઉપર છે. ગયા વર્ષે દુબઇ સ્ટેડિયમમાં જ પાકિસ્તાને T20 વર્લ્ડકપની મેચમાં ભારતને શરમજનક પરાજય આપ્યો હોવાથી રોહિત શર્મા હિસાબ સરભર કરવાના તમામ પ્રયાસ કરશે. વર્લ્ડકપમાં ભલે ભારત હારી ગયું હોય પરંતુ તેની પાસે પાકિસ્તાનને હરાવવાનો ઘણો અનુભવ છે.
પાકિસ્તાન પાસે ભારતને હરાવવાનો અનુભવ
રોહિત શર્માના નેતૃત્વમાં રમનારી ભારતીય ટીમના 15માંથી 11 ખેલાડીઓ જેવા એવા છે જેમની પાસે પાકિસ્તાન સામે રમવાનો અનુભવ છે અને નવ ક્રિકેટર એવા છે જેમની પાસે આ હાઇવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનને હરાવવાનો અનુભવ છે. બીજી તરફ પાકિસ્તાનની 15 સભ્યની ટીમાં સુકાની બાબર આઝમને બાદ કરતાં કોઈ અન્ય પાસે ભારત સામે બે મેચ રમવાનો પણ અનુભવ નથી. પાકિસ્તાની ટીમના છ ક્રિકેટર પાસે T20 વર્લ્ડકપમાં ભારતને હરાવવાનો અનુભવ છે. એશિયા કપ ઇન્ડો-પાક. મુકાબલામાં દબાણને ખાળવાનો ભારત પાસે વધારે અનુભવ છે.

ભારતના ચાર ક્રિકેટર પાકિસ્તાન સામે રમ્યા નથી
એશિયા કપમાં રમી રહેલી ભારતીય ટીમના ચાર ક્રિકેટર્સ દીપક હૂડા, અર્શદીપસિંહ, અવેશ ખાન અને રવિ બિશ્નોઇ એવા ક્રિકેટર છે જેમને પાકિસ્તાન સામેની હાઇ ટેન્શનવાળી મેચ રમવાનો અનુભવ નથી. સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત એવા ક્રિકેટર્સ છે જેઓ પાકિસ્તાન સામે રમ્યા છે પરંતુ જીત્યા નથી. બંને ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમ્યા હતા.
ભુવનેશ્વર-કોહલી સૌથી સફળ ખેલાડી
એશિયા કપમાં રમી રહેલી ભારતીય ટીમમાં પાકિસ્તાન સામે સર્વાધિક વિકેટ ભુવનેશ્વરના નામે છે. તેણે T20ની ચાર મેચમાં પાંચ અને 10 વન-ડે મેચમાં 14 વિકેટ ઝડપી છે. બેટિંગમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સાત T20 મુકાબલામાં 311 અને 13 વન-ડે ઇન્ટરનેશનલમાં 536 રન બનાવ્યા છે. ઓવરઓલ એશિયા કપમાં રોહિત શર્માએ સર્વાધિક 328 રન બનાવ્યા છે. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે 400 રન બનાવ્યા હતા.
રોહિત પાકિસ્તાન સામે સર્વાધિક 24 મેચ રમ્યો
રોહિત શર્માએ પાકિસ્તાન સામે સર્વાધિક આઠ T20 અને 16 વન-ડે રમી છે. કોહલીએ સાત T20 અને 13 વન-ડે, ભુવનેશ્વરે ચાર T20 અને 10 વન-ડે, રવીન્દ્ર જાડેજાએ પાંચ T20 અને નવ વન-ડે, હાર્દિક પંડયાએ ત્રણ T20 અને ચાર વન-ડે, દિનેશ કાર્તિકે એક T20 અને ચાર વન-ડે રમી છે. લોકેશા રાહુલ એક T20 અને એક વન-ડે રમ્યો છે. આ ઉપરાંત યૂજવેન્દ્ર ચહલ અને આર. અશ્વિન પણ પાકિસ્તાનને હરાવવાનો અનુભવ ધરાવે છે. રાહુલને બાદ કરતાં આ તમામ ખેલાડીઓ પાકિસ્તાન સામે એક કરતાં વધારે વિજય મેળવનાર ટીમના સભ્ય રહ્યા હતા.

પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી આસાન નથી: રોહિત
પાકિસ્તાન સામેની એશિયા કપ T20ની મેચ પહેલાં ભારતીય સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું કે પ્લેઇંગ ઇલેવનને પસંદ કરવી આસાન કામ નથી. અમે ટોસ દરમિયાન ટીમ જાહેર કરીશું. કોહલી પ્રેક્ટિસ દરમિયાન શાનદાર રિધમમાં જણાતો હતો. કોરોનાના સમયમાં તમામને મેન્ટલ હેલ્થ ઇશ્યૂ થયા હતા. કાર્તિક મેચવિનર ખેલાડી છે અને તેણે પુનરાગમન કર્યા બાદ તમામને પ્રભાવિત કર્યા છે. કાર્તિકના રમવા અંગે મેચ પહેલાં કશું કહી શકું તેમ નથી. ઝાકળના કારણે ટોસની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની જશે.