- વિરાટ કોહલી એશિયા કપ દરમિયાન મોટી સિદ્ધિ મેળવશે
- ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર ભારતનો પ્રથમ ખેલાડી બનશે
- રોઝ ટેલર બાદ વિશ્વનો બીજો ક્રિકેટર બનશે
વિરાટ કોહલી એશિયા કપ દરમિયાન એક મોટી સિદ્ધિ મેળવશે. તે ક્રિકેટની ત્રણેય મેચમાં 100 મેચ રમનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો માત્ર બીજો ક્રિકેટર બનશે. આ પહેલાં ન્યૂઝીલેન્ડનો રોઝ ટેલર ત્રણેય ફોર્મેટની આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ઉતરવાની સાથે કોહલી આ સિદ્ધિ હાંસલ કરશે અને આ તેની 100મી T20 ઇન્ટરનેશનલ મેચ પણ રહેશે.

રોઝ ટેલર બાદ વિશ્વનો બીજો ક્રિકેટર
અત્યાર સુધી માત્ર 13 ક્રિકેટરો T20માં 100 કે તેથી વધારે મેચો રમી ચૂક્યા છે. કોહલીએ 99 T20 ઇન્ટરનેશનલ મેચમાં 50.12ની સરેરાશથી 3308 રન બનાવ્યા છે. 33 વર્ષીય કોહલી T20 ઇન્ટરનેશનલ મેચમાં સર્વાધિક રન નોંધાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે છે. તે અત્યાર સુધીમાં 262 વન-ડેમાં 12,344 રન બનાવી ચૂક્યો છે. રોઝ ટેલર 112 ટેસ્ટમાં 7,683 રન, 236 વન-ડેમાં 8,607 રન તથા 102 T20 મેચમાં 1,909 રન બનાવી ચૂક્યો છે.

એશિયા કપમાં ભારતનો વિનિંગ રેશિયો 66.66%
વન-ડે તથા T20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપમાં ભારતે 54 મેચમાં 36 વિજય અને 16 પરાજય મેળવવા ઉપરાંત બે મેચમાં ટાઇ કે અનિર્ણીત પરિણામ મેળવ્યું છે. ભારતનો વિનિંગ રેશિયા 66.66% રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાને 49 મેચમાં 28 વિજય અને 20 પરાજય મેળવ્યા છે અને તેનો વિનિંગ રેશિયો 57.14નો રહ્યો છે.