- 30 ઓગસ્ટથી એશિયા કપ શરૂ થશે
- એશિયા કપની 4 મેચ પાકિસ્તાનમાં રમવામાં આવશે
- ભારતની તમામ મેચ શ્રીલંકામાં યોજાશે
2023 એશિયા કપની મેજબાની પાકિસ્તાન કરી રહ્યું છે. જો કે, ભારતે પાકિસ્તાનમાં રમવા જવા ઈનકાર કર્યો છે. જેથી પાકિસ્તાની હાઈબ્રિડ મોડલમાં એશિયા કપનું આયોજન કરવા નિર્ણય લીધો છે. જેથી હવે 2023 એશિયા કપની 4 મેચ પાકિસ્તાનમાં રમવામાં આવશે, જ્યારે બીજી તમામ મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમવામાં આવશે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહને પાકિસ્તાનમાં મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે.
PCBએ જય શાહને આપ્યું આમંત્રણ
2023 એશિયા કપનું ઓપનિંગ એટલે પ્રથમ મેચ મુલ્તાનમાં રમવામાં આવશે. જેથી PCBએ જય શાહને મેચ અને ઓપનિંગ સેરેમની જોવા માટે આમંત્રણ આપ્યું છે. PCBએ કહ્યું કે, જય શાહ ઉપરાંત અન્ય બોર્ડના પ્રમુખને પણ ઉદ્ઘાટન મેચ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે એશિયાઈ ક્રિકેટ પરિષદનો ભાગ છે.
એશિયા કપની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમવામાં આવશે. જે બાદ 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે લાહોરમાં મેચ રમવામાં આવશે. લાહોરમાં 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બરે મેચ રમવામાં આવશે. આ ઉપરાંત બાકી 9 મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમવામાં આવશે.
2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ
2023 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમવામાં આવશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 2 વખત ભારત અને પાકિસ્તાનની મેચ જોવા મળી શકે છે. જો કે, જો બંને ટીમ ફાઈનલમાં પહોંચશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત મેચ જોવા મળશે.
BCCIએ હજુ ટીમની જાહેરાત કરી નથી
ઉલ્લેખનીય છે કે, BCCIએ હજુ 2023 એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી નથી. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ 21 ઓગસ્ટે 2023 એશિયા કપ માટે ટીમની જાહેરાત કરશે. અત્યાર સુધી માાત્ર પાકિસ્તાન, બંગ્લાદેશ અને નેપાળે પોતાની ટીમની જાહેરાત કરી છે.