- બાંગ્લાદેશ ટીમનો કેપ્ટન બદલાયો
- શાકિબ અલ હસન બન્યો નવો કેપ્ટન
- બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આપી માહિતી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આગામી એશિયા કપ અને વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખી ટીમના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને કેપ્ટન બનાવ્યો છે. શાકિબ આ પહેલાં પણ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. સાથે આ પહેલાં આ જવાબદારી તમીમ ઈકબાલ સંભાળી ચૂક્યો છે. શાકિબ 12 વર્ષ બાદ ત્રણેય ફોર્મેટમાં ટીમનું નૈતૃત્વ કરશે.
23 મેચમાં બાંગ્લાદેશને મળી જીત
શાકિબ અલ હસન અત્યારે T-20 અને ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન હતો. વર્ષ 2011માં થયેલા વનડે વર્લ્ડકપમાં બાંગ્લાદેશની ટીમ શાકિબ અલ હસનના નૈતૃત્વમાં રમી હતી. શાકિબ વર્ષ 2009થી લઈને 2011 સુધી બાંગ્લાદેશ ટીમ માટે વનડે ફોર્મેટમાં કેપ્ટન હતો. શાકિબ અલ હસનની વનડે કેપ્ટનશીપમાં બાંગ્લાદેશની ટીમ અત્યાર સુધી 50 મેચ રમી છે. જેમાં 23માં બાંગ્લાદેશને જીત મળી છે, જ્યારે બાકી 26 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
12 ઓગસ્ટે ટીમની જાહેરાત થશે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસનને શાકિબને કેપ્ટન બનાવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે શાકિબને એશિયા કપ અને વર્લ્ડકપ માટે કેપ્ટન બનાવ્યો છે. સાથે આ બંને ટુર્નામેન્ટ માટે બાંગ્લાદેશની 17 સભ્યોની ટીમની જાહેરાત 12 ઓગસ્ટે કરવામાં આવશે.
31 ઓગસ્ટે બાંગ્લાદેશની પ્રથમ મેચ
આગામી એશિયા કપ 2023માં બાંગ્લાદેશની ટીમ પોતાની પ્રથમ મેચ 31 ઓગસ્ટે શ્રીલંકા વિરુદ્ધ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમશે. જે બાદ બાંગ્લાદેશની ટીમ 3 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ લાહોરના સ્ટેડિયમમાં મેચ રમશે. વનડે વર્લ્ડકપ પહેલાં બાંગ્લાદેશની ટીમ ઘર પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ રમશે. જેની શરૂઆત 21 સપ્ટેમ્બરથી થશે. સાથે વર્લ્ડકપમાં ટીમ પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે અફઘાનિસ્તાન વિરુદ્ધ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમશે.