- આવતીકાલથી એશિયા કપની થશે શરૂઆત
- 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
- ભારત-પાક.ની મેચ બને છે રોમાંચક
એશિયા કપ 2023માં ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે. 30 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. આ મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા રોમાંચક રહે છે. ક્યારેક ખેલાડીઓના ગુસ્સાએ પણ આ રોમાંચ વધારવાનું કામ કર્યું છે. 2010ની ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીર અને કામરાન અકમલ વચ્ચે ઝઘડો થયો હતો. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.
2010ની એશિયા કપમાં બંન વચ્ચે થયો હતો ઝઘડો
પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ અને ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર વચ્ચે 2010ની એશિયા કપમાં ઝઘડો થયો હતો. જે બાદ મહેન્દ્રસિંહ ધોનીએ વચ્ચે આવીને બંનેને શાંત પાડ્યા હતા. ગંભીર પાકિસ્તાની વિકેટકીપરની વારંવારની અપીલથી કંટાળ્યો હતો. જે બાદ આ વિવાદ થયો હતો. જો કે, આ અંગે અકમલે બાદમાં ખુલાસો કરીને ચર્ચા કરી હતી.
અકમલે ગેરસમજ થઈ હોવાનું કહ્યું
અકમલે કહ્યું હતું કે, ગંભીર સારા વ્યક્તિ છે અને અમારી બંને વચ્ચે ગેરસમજ થઈ હતી. અકમલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, એશિયા કપ 2010માં મારા અને ગૌતમ ગંભીર વચ્ચે ગેરસમજ થઈ હતી. અમે એક સાથે રમી ચૂક્યા છીએ અને તે સારા વ્યક્તિ છે. ભારત અને પાકિસ્તાનની મેચ ખુબ રોમાંચક રહે છે. ગંભીરે ખુદને અપશબ્દો કહ્યા હતા, પરંતુ મને એવું લાગ્યું હતું કે, મને અપશબ્દો કહ્યા છે, પરંતુ હકીકતમાં તે ખુદ સાથે વાત કરતા હતા.
મેચમાં ભારતની જીત થઈ હતી
ઉલ્લેખનીય છે કે, 2010 એશિયા કપમાં તે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. મેચમાં પાકિસ્તાની ટીમ 49.3 ઓવરમાં 267 રન પર ઓલઆઉટ થઈ હતી. રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 49.5 ઓવરમાં 7 વિકેટના નુકસાને જીત મેળવી હતી. ભારત માટે ઓપનિંગ કરવા આવેલા ગૌતમ ગંભીરે 97 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 83 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત એમએસ ધોનીએ 65 રન બનાવ્યા હતા.