- 30 ઓગસ્ટથી એશિયા કપની થશે શરૂઆત
- ભારત પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે
- પાકિસ્તાન સામે મેચ માટે ગાંગુલીએ પસંદ કરી ટીમ
એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાએ 17 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ ક્યા 11 ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે, તે અંગે હજુ અસમંજસની સ્થિતિ છે. આ તમામ વચ્ચે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે.
અનુભવી ખેલાડીઓની કરી પસંદગી
સૌરવ ગાંગુલીએ પોતાની ટીમમાં અનુભવી ખેલાડીઓની પસંદગી કરી છે. કારણ કે, તેમને એવું લાગી રહ્યું છે કે, આ મોટી ટૂર્નામેન્ટ છે અને આમાં ખેલાડીઓને પ્રેશર સહન કરતા આવડવું જરૂરી છે. તેમણે ટીમમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને સ્થાન આપ્યું છે. જે લાંબા સમય બાદ વાપસી કરી રહ્યા છે.
આ ખેલાડી સંભાળશે બેટિંગ ઓર્ડર
સૌરવ ગાંગુલીએ પસંદ કરેલી ટીમમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. સાથે ત્રીજા નંબર પર વિરાટ કોહલી અને મિડલ ઓર્ડર પર લાંબા સમય બાદ વાપસી કરનારા શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ રમશે. ગાંગુલીએ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ સ્થાન આપ્યું છે. સાથે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં જગ્યા આપી છે. જેથી પૂર્વ કેપ્ટનની ટીમમાં 2 સ્પિન અને 1 ફાસ્ટ બોલિંગ વાળો ઓલરાઉન્ડર છે.
ગાંગુલીએ 2 ફાસ્ટ બોલરની પસંદગી કરી
શ્રીલંકાની સ્પિન ફ્રેન્ડલી પિચને ધ્યાનમાં રાખી ગાંગુલીએ ટીમમાં 3 સ્પિનર્સને સ્થાન આપ્યું છે. જેમાં જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સામેલ છે. સાથે ફાસ્ટ બોલરમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સામેલ છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ અમુક ઓવર નાખી શકે છે.
એશિયા કપ માટે સૌરવ ગાંગુલીની પ્લેઈંગ 11
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી.