- 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મેચ
- પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવી પડી હતી
- આ વખતે વરસાદ આવશે તો રિઝર્વ ડે પર રમાશે મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ત્રીજી સુપર-4 મેચ રમવામાં આવશે. આ મેચ રવિવારે કોલંબોમાં રમવામાં આવશે. આ મેચને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચ માટે રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. જો આ મેચ વરસાદના કારણે રદ થશે, તો મેચ રિઝર્વ ડે પર રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે રમવામાં આવેલી ગત મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જેથી બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.
માત્ર એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, એશિયા કપ 2023ના સુપર-4માં માત્ર એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ નહતી. જેથી હવે ભારત-પાકિસ્તાન સુપર-4 મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. દિલચસ્પ વાત એ છે કે, સુપર-4માં બીજી કોઈ પણ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
ભારત-પાકિસ્તાન રવિવારે આમને-સામને
ભારત-પાકિસ્તાન મેચ રવિવારે કોલંબોમાં રમવામાં આવશે. આ મેચ દરમિયાન 90 ટકા વરસાદ થવાની સંભાવના છે. જો હવામાન સાફ રહેશે તો સરળતાથી મેચ થશે. જો થોડો સમય વરસાદ આવશે અને ઓવર ઘટાડીને મેચ પૂર્ણ થશે, તો તે પણ કરવામાં આવશે, પરંતુ જો વધુ વરસાદ થયો તો મેચ રદ કરવામાં આવશે. જે બાદ રિઝર્વ ડે પર આ મેચ રમવામાં આવશે.
ટીમ ઈન્ડિયા સુપર-4માં 3 મેચ રમશે
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા સુપર-4માં 3 મેચ રમશે. તેનો પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ છે. જે બાદ બીજી મેચ 12 સપ્ટેમ્બરે શ્રીલંકા વિરુદ્ધ છે અને ત્રીજી મેચ 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમવામાં આવશે. જે બાદ 17 સપ્ટેમ્બરે આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમવામાં આવશે.