• આવતીકાલથી એશિયા કપની થશે શરૂઆત
  • ભારત પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે
  • રોહિત શર્મા પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક

આવતીકાલથી એશિયા કપ 2023ની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા એક ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. રોહિત શર્મા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી શકે છે. આ રેકોર્ડ તોડવા સાથે રોહિત એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી પણ બની શકે છે.

ભારત માટે સચિને બનાવ્યા સૌથી વધુ રન

ભારત માટે એશિયા કપમાં અત્યાર સુધી સચિન તેંડુલકરે સૌથી વધુ રન બનાવ્યા છે. સચિને 23 મેચમાં 971 રન બનાવ્યા છે. સચિને આ દરમિયાન 2 સદી અને 7 ફિફ્ટી લગાવી છે. રોહિત ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર છે. તેમણે 22 ઈનિંગમાં 745 રન બનવ્યા છે. રોહિતને ટોપ પર પહોંચવા માટે 226 રનની જરૂર છે. તેમણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક સદી અને 6 ફિફ્ટી લગાવી છે. રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 111 રન રહ્યો છે.

સનથ જયસૂર્યાએ એશિયા કપમાં સૌથી વધુ રન કર્યા

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવા મામલે ઓવરઓલ લિસ્ટમાં શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા ટોપ પર છે. તેમણે 25 મેચમાં 1 હજાર 220 રન બનાવ્યા છે. જયસૂર્યાએ 6 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. કુમાર સંગાકારા બીજા નંબર પર છે. તેમણે 24 મેચમાં 1 હજાર 75 રન બનાવ્યા છે. સંગાકારાએ 4 સદી અને 8 ફિફ્ટી લગાવી છે. સચિન ઓવરઓલ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ મલિક ચોથા અને રોહિત શર્મા 5માં સ્થાને છે.

17 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ રમાશે

ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં ગ્રુપ મેચ બાદ સુપર-4ની મેચ રમવામાં આવશે. સુપર 4ની પ્રથમ મેચ લાહોરમાં 6 સપ્ટેમ્બરે રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમવામાં આવશે. સુપર 4ની પ્રથમ મેચ લાહોરમાં અને બીજી તમામ મેચ કોલંબોમાં રમવામાં આવશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન અને બીજી મેચ નેપાળ વિરુદ્ધ રમશે.

  • Follow us on: